ટોપ ન્યૂઝનેશનલ

Union Budget 2024: ક્યારે રજૂ થશે મોદી 3.0નું પ્રથમ બજેટ, સરકારે જણાવી તારીખ

કેન્દ્રીય બજેટ 2024: દેશમાં 18મી લોકસભાની રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય બજેટ 2024ની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ કરશે. વાસ્તવમાં, 18મી લોકસભાનું પ્રથમ સત્ર સમાપ્ત થઈ ગયું છે, જેમાં નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ યોજાઈ હતી અને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંબોધિત કરી હતી. હવે તમામની નજર બજેટ સત્ર પર છે. સંસદનું સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે.

સંસદનું નવું સત્ર (સંસદનું બજેટ સત્ર) 22મી જુલાઈથી શરૂ થશે અને 12મી ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. રિજિજુએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્ર સરકારની ભલામણને સ્વીકારી લીધી છે. ખાસ વાત એ છે કે બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદના સત્ર દરમિયાન 23 જુલાઈએ લોકસભામાં બજેટ રજૂ કરશે.

અઢારમી લોકસભાના પ્રથમ સત્ર પછી, સંસદનું નીચલું ગૃહ 2 જુલાઈના રોજ સ્થગિત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાનું 264મું સત્ર 3 જુલાઈના રોજ સ્થગિત કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય બજેટ 2024 ની તારીખો જાહેર થવાની સાથે, એવી ઘણી અપેક્ષાઓ અને અટકળો છે કે નાણા પ્રધાન મોદી 3.0 સરકાર હેઠળ કરદાતાઓ માટે કેટલાક લાભોની જાહેરાત કરી શકે છે. કેટલાક અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ આવાસ માટે રાજ્યની સબસિડી વધારવાની તૈયારી કરી રહી છે, જે ગયા વર્ષની સરખામણીમાં 50 ટકા વધવાની ધારણા છે.

આ વર્ષે બે વખત બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે નવી સરકાર બન્યા બાદ સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ વખતે બજેટની રજૂઆત સાથે વર્તમાન કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ જશે. તેઓ સતત સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર પ્રથમ નાણા પ્રધાન બની જશે. આ મામલે તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈને પાછળ છોડી દેશે. મોરારજી દેસાઈએ સતત છ બજેટ રજૂ કર્યા હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button