ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

યુએન સિક્યુરિટી કાઉન્સિલે ગાઝામાં યુદ્ધવિરામનો પ્રસ્તાવ નકાર્યો, અમેરિકાએ ફરી વીટો વાપર્યો

ન્યુ યોર્ક: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગાઝામાં ઈઝરાયેલ સેનાના હુમલામાં 300 પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. દરમિયાન, ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં યુએન દ્વારા લાવવામાં આવેલ ઠરાવ પસાર થઇ શક્યો ન હતો. અમેરિકાના વીટોને કારણે પ્રસ્તાવ પસાર થઈ શક્યો ન હતો.

યુએન દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ ઠરાવમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોને બિનશરતી તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. 13 સભ્ય દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું. યુએસએ ઠરાવ વિરુદ્ધ વીટો આપ્યો હતો, જ્યારે યુકે મતદાનથી દૂર રહ્યું હતું.

યુએનમાં યુએસના રાજદૂત રોબર્ટ વૂડે યુદ્ધવિરામ પ્રસ્તાવને અસંતુલિત અને વાસ્તવિકતાની દૂર ગણાવ્યો હતો. દરખાસ્ત મુદ્દે વીટો વાપર્યા પછી, વુડે કહ્યું કે પ્રસ્તાવ પર મુસદ્દો તૈયાર કરવાની અને મતદાનની પ્રક્રિયામાં ઉતાવળ કરવામાં આવી હતી અને તેમાં યોગ્ય પરામર્શનો અભાવ હતો. તેમણે કહ્યું કે કમનસીબે, અમારી લગભગ તમામ ભલામણોને અવગણવામાં આવી હતી.

મધ્ય પૂર્વની પરિસ્થિતિ પર UNSCની બેઠકમાં બોલતા, યુએસ એમ્બેસેડર રોબર્ટ વૂડે જણાવ્યું હતું કે યુ.એસ. ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે સમર્થન આપતું નથી, કારણ કે આ આગામી યુદ્ધ માટેના બીજ વાવવા જેવું થશે. હમાસ ઈઝરાયેલ માટે ખતરો છે. જો ઇઝરાયેલ આજે એકપક્ષીય રીતે તેના યુદ્ધ વિરામ  કરે છે, જેમ કે કેટલાક સભ્ય દેશોએ હાકલ કરી છે, તો હમાસ બંધકોને છોડશે નહીં.

યુએનમાં રશિયાના ડેપ્યુટી એમ્બેસેડર દિમિત્રી પોલિઆન્સકીએ યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું કે કાઉન્સિલની નિષ્ક્રિયતાને કારણે ગાઝામાં મોટાપાયે વિનાશ થયો છે અને હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકન કૂટનીતિ ફરી એકવાર વિનાશનું કારણ બની રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button