ચેલેન્જ પોલિટિક્સઃ કાંતિ અમૃતિયા બાદ ઉમેશ મકવાણાએ ગોપાલ ઈટાલિયાને શું આપી ચેલેન્જ?
ટોપ ન્યૂઝબોટાદ

ચેલેન્જ પોલિટિક્સઃ કાંતિ અમૃતિયા બાદ ઉમેશ મકવાણાએ ગોપાલ ઈટાલિયાને શું આપી ચેલેન્જ?

બોટાદઃ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા બાદ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી હતી. ઉમેશ મકવાણાએ ગોપાલ ઈટાલિયાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું, જો ચેલેન્જ આપવી જ હોય તો વિકાસના કામોની ચેલેન્જ આપો. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમના મતવિસ્તારમાં કરેલા કામ અંગે જણાવતા કહ્યું હતું કે, મેં મારા અઢી વર્ષના કાર્યકાળમાં બોટાદ વિસ્તારમાં રુ. 2000 કરોડના વિકાસના કામો કર્યા છે. ગોપાલભાઈમાં ત્રેવડ હોય તો કામ કરવાની ચેલેન્જ કરો. ગોપાલભાઈ વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે.

ઉમેશ મકવાણાએ વધુમાં વાત કરતાં કહ્યું હતું કે, ભાજપ અને આપના ધારાસભ્યો રાજીનામાના નાટક કરે છે. પ્રજાના કામ કરવા માટે ચૂંટાયા છે તો કામ કરો. કામની રાજનીતિ કરો. લોકોએ તમારા ઉપર વિશ્વાસ મુકીને તમને ચૂંટ્યા છે તો આવા નાટકો બંધ કરો અને લોકોના કામ કરો. બોટાદમાં મેં અઢી વર્ષની અંદર રુપિયા 2000 કરોડનું કામ કર્યું છે. એમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્સ હોય કે જીઆઈડીસીના કામ હોય, રોડ રસ્તા હોય કે પછી ભલે સ્કૂલના કામો હોય. જો ગોપાલભાઈમાં તેવડ હોય તો વિસાવદરમાં 500 કરોડના કામ કરીને ઉમેશભાઈને ચેલેન્જ આપે.

કાસકામોના 95 ટકા કોન્ટ્રાક્ટ મળતિયાઓને જ આપવામાં આવતો હોવાનો કર્યો હતો આક્ષેપ
થોડા દિવસ પહેલા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુજરાતમાં વિવિધ વિકાસકામોના 95 ટકા કોન્ટ્રાક્ટ ચોક્કસ સમાજના મળતિયાઓને જ અપાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે સરકારી કોન્ટ્રાક્ટમાં એસસી-એસટી અને ઓબીસીને અનામત આપવાની માગ કરી હતી. મકવાણાએ કહ્યું કે, વિપક્ષના ધારાસભ્યોએ જનતાના જે મુદ્દાઓ ઉઠાવવા જોઈએ તેના બદલે રાજીનામાના નાટક કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં તેના એજન્ટો ઘુસાડી દીધા છે. જેઓના ઈશારે વિપક્ષના ધારાસભ્યો વિરોધ કરવાના બદલે આવા નાટકો કરી જનતાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગત મહિને આમ આદમી પાર્ટીએ કર્યા હતા સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે ઉમેશ મકવાણાએ ગત મહિને આમ આદમી પાર્ટીની દરેક પદેથી રાજીનામું આપ્યાં બાદ આમ આદમી પાર્ટીએ તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બોટાદની બેઠક પર ભાજપે ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હતી, પરંતુ આપના ઉમેશ મકવાણાનો વિજય થયો હતો. ઘનશ્યામ વિરાણીને 77802 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના મનહર પટેલને 19058 વોટ મળ્યા હતા. ઉમેશ મકવાણા 80581 મત મેળવીને વિજેતા બન્યા હતા.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button