Ulhasnagar firing: Supriya Suleએ ગૃહ પ્રધાનને લીધા આડે હાથ

મુંબઈઃ કલ્યાણ પૂર્વના ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના કલ્યાણ શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ પર પોલીસ સ્ટેશનમાં ગોળીબાર કર્યાના અહેવાલે રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. ભાજપના ધારાસભ્યએ મહેશ ગાયકવાડ પર છ ગોળી ચલાવી હતી. આ ઘટનાના પ્રત્યાઘાત રાજ્યભરમાં પડવા લાગ્યા છે અને આ રાજ્યના ગૃહ પ્રધાનની નિષ્ફળતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના ગૃહ પ્રધાન ભાજપના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) હોય, વિપક્ષોએ ટીકાનો મારો ચાલુ કરી દીધો છે.
NCP શરદ પવાર જૂથના સાંસદ Supriya Suleએ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા. મહારાષ્ટ્રમાં ગુંડાઓનું શાસન ચાલી રહ્યું છે અને ભાજપ સત્તા અને પૈસાનો આનંદ માણી રહ્યો છે તેવું નિવેદન આપતાની સાથે તેમણે સવાલ પણ કર્યો છે કે એક ધારાસભ્ય પોલીસ સ્ટેશનમાં કોઈને ગોળી મારવાની હિંમત કેવી રીતે કરી શકે. બંદૂકો સૈનિકો, પોલીસ દ્વારા સુરક્ષા માટે છે. આપણે તે યુનિફોર્મનું સન્માન કરીએ છીએ. પોલીસને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે. આપણે હક્ક મેળવવા પોલીસ સ્ટેશન જઈએ છીએ. આવા સ્થળોએ પોલીસની સામે દિવસે દિવસે ઝઘડા થાય છે. ધારાસભ્યની હિંમત કેવી રીતે થઈ.. આ સત્તાની મજા નથી તો શું કહીએ? સુપ્રિયાએ આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રમાં ગુંડાગીરી જ ચાલી રહી છે.
દેશ કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે. સત્તાની મસ્તીથી ચાલતું નથી. મહારાષ્ટ્રના ઈતિહાસમાં ક્યારેય કોઈ ધારાસભ્યએ પોલીસ સામે ગોળીબાર કર્યો નથી. આ ગેંગવોર છે. સિનેમામાં જે દેખાય છે તે વાસ્તવિકતામાં જોવા મળે છે. હું માનું છું કે આ રાજ્યના ગૃ પ્રધાનની નિષ્ફળતા છે. મહારાષ્ટ્રમાં આટલી બધી ગુંડાગીરી ચાલી રહી છે તો આપણે કોની તરફ જોવું જોઈએ? આજે ભાજપ પાસે નૈતિકતા બચી નથી. આ બાબતે ઝીણવટભરી તપાસ થવી જોઈએ. સુપ્રિયા સુલેએ કહ્યું કે તેઓ સોમવારે સંસદમાં આ મુદ્દો ઉઠાવશે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળશે. દરમિયાન ગણપત ગાયકવાડ સહિત ત્રણની ધરપકડ થયાના સમાચાર મળ્યા છે.