ટ્રમ્પને અમેરિકી ચૂંટણીમાં છેતરપિંડીનો ડરની આશંકા, વોટર આઈડી કાર્ડને લઈને આ માંગણી કરી

અમેરિકામાં પાંચમી નવેમ્બર એટલે કે આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે.
આ સાથે જ કમલા હેરિસ ચૂંટણી જીતીને પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી પહેલા ટ્રમ્પે દેશની વર્તમાન વોટિંગ સિસ્ટમ પર નારાજગી વ્યક્ત કરી છે અને મતદાન માટે ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવાનો આગ્રહ કર્યો છે. તેઓ પોસ્ટલ વોટની માન્યતા પર પણ સતત સવાલો ઉઠાવી રહ્યા છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે ચૂંટણી માટે વોટર આઈડી ફરજિયાત હોવું જોઇએ. જોકે, ડેમોક્રેટ્સ વોટર આઈડી કાર્ડનો વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પને શંકા છે કે આ લોકો ચૂંટણીમાં છેડછાડ કરી શકે છે. પેન્સિલવેનિયામાં એક રેલીને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે મને નથી ખબર કે વોટિંગ માટે આઈડી કાર્ડ કેમ નથી? ડેમોક્રેટ્સ વોટર આઈડી કાર્ડ લાગુ કરવાનું ટાળી રહ્યા છે તેનું એક જ કારણ છે અને તે કારણ છેતરપિંડી છે.
પરંતુ તેનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે કોઈ તેના વિશે વાત પણ કરતું નથી. ફક્ત હું તેના વિશે વાત કરી રહ્યો છું કારણ કે દરેક તેના વિશે વાત કરવાથી શરમાય છે. ડેમોક્રેટ્સ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવીને તમને જેલમાં ધકેલી દેવા માંગે છે, પરંતુ ખરેખર તો જે લોકો ચૂંટણીમાં છેડછાડ કરે છે તેમને જેલમાં ધકેલી દેવા જોઈએ.
ટ્રમ્પે બેલેટ પેપર સિસ્ટમ પર પાછા ફરવાનો આગ્રહ કરતાં કહ્યું હતું કે બેલેટ પેપર ખૂબ જ સારું કામ કરી રહ્યું છે, પરંતુ મતદાન માટે ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવું જોઈએ જેથી કરીને કોઈપણ પ્રકારની હેરાફેરી ટાળી શકાય. ઉપરાંત, મતદાન પ્રક્રિયા રાત્રે 9 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જવી જોઈએ. હવે ચૂંટણીને અઠવાડિયા લાગે છે. તમે કલ્પના કરી શકો છો? મશીનો પર આટલા પૈસા ખર્ચવામાં આવ્યા બાદ તેઓ કહે છે કે ચૂંટણીના પરિણામો આવતા સહેજે 10-12 દિવસ લાગશે.
મંગળવારે (પાંચ નવેમ્બર) રાત્રે 9 વાગ્યા, 10 અથવા 11 વાગ્યા સુધીમાં મતદાન પતી જવું જોઈએ. તેમણે કહ્યું હતું કે કેલિફોર્નિયામાં એક એવું વિવાદાસ્પદ બિલ પસાર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ અધિકારી અથવા કોઈ સરકારી હોદ્દો ધરાવનાર વ્યક્તિ તમારી પાસે તમારું ઓળખ કાર્ડ માંગે છે, તો તે ગુનાના દાયરામાં આવે છે. તેઓ તમને છેતરવા માંગે છે,તેથી તેઓ આવા બિલ બનાવી રહ્યા છે. આખી દુનિયા આપણા પર હસી રહી છે, તેથી બહેતર એ છે કે આપણે વધુ સારી સિસ્ટમ અપનાવીએ.
Also Read – US Elections: અમેરિકામાં કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિ ચૂંટણી, જાણો પ્રક્રિયા…
ટ્રમ્પે કમલા હેરિસ પર નિશાન સાધતા કહ્યું કે તે ભ્રષ્ટ મહિલા છે. હું ભ્રષ્ટાચારી સામે ચૂંટણી લડી રહ્યો છું. હું ડેમોક્રેટિક પાર્ટી નામના ભ્રષ્ટ મશીન સામે ચૂંટણી લડી રહ્યો છું. આ સંપૂર્ણપણે ભ્રષ્ટ પક્ષ છે.



