ભોપાલઃ મધ્યપ્રદેશમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ 151 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 76 સીટો પર આગળ છે. જોકે, શરૂઆતના પરિણામોમાં કૉંગ્રેસ પાછળ હોવા છતાં પણ કૉંગ્રેસના નેતાઓના દાવા અને હોંસલો બુલંદ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે – ‘મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું – 130 પ્લસ. અમને 130 બેઠકો મળી રહી છે. બાકીનું જોવાનું બાકી છે. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ વિશે તેમણે કહ્યું હતું કે, તેમની વિદાય નિશ્ચિત જ છે અને તેમના ‘અચ્છે દિન’ પણ અહીં જ સમાપ્ત થશે.
દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, ‘આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે જનતાના આશીર્વાદ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યદક્ષ નેતૃત્વથી પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપના તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન.
યોગાનુયોગ આજે 1984માં થયેલા ભોપાલ ગેસ કાંડની વરસી છે. ભોપાલ ગેસ કાંડમાં 15,000થી વધુ લોકોના તડપી તડપીને મોત થયા હતા. તત્કાલિન કૉંગ્રેસ સરકારે માત્ર 3,000 લોકોના મૃત્યુની જ પુષ્ટિ કરી હતી. ભોપાલ ગેસ દુર્ઘટનામાં તે રાત્રે મૃત્યુ પામેલા લોકો કરતા અનેક ગણા વધુ લોકો વર્ષો સુધી તે ગેસની ખરાબ અસરો સહન કરતા રહ્યા છે. મધ્યપ્રદેશ સરકારમાં આ ઘટનાના પીડિતોને મદદ કરવા માટે એક અલગ વિભાગ બનાવવો પડ્યો હતો અને આજે પણ ત્યાંની મોટી હોસ્પિટલોમાં આ પીડિતો માટે અલગ દવા કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. જોકે, આટલા બધા ભારતીયોના હત્યારા અને ભોપાલ ગેસ કાંડના જનક વારેન એન્ડરસનને કૉંગ્રેસે સુરક્ષિત અમેરિકા ભાગી જવા દીધો હતો