
વિશ્વકર્મા પૂજા નિમિત્તે, વિશેષ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ નવા સંસદ ભવન પર ત્રિરંગો ફરકાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વકર્મા પૂજા નિમિત્તે દરેક નિર્માણાધીન બિલ્ડીંગમાં પૂજાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે સંસદના નવ નિર્મિત બિલ્ડીંગમાં ત્રિરંગો લહેરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીડબલ્યુડી વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે નવી ઇમારતનું નિર્માણ કર્યું છે અને આ વિભાગે ત્રણ ઔપચારિક પ્રવેશદ્વારોમાંના એક ગજ દ્વારની સામે રાષ્ટ્રધ્વજ ફરકાવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંસદની નવી ઇમારતમાં આ પ્રથમ ધ્વજવંદન હશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર વિશેષ સત્ર જૂની સંસદ બિલ્ડિંગમાં શરૂ થશે અને પછી નવી બિલ્ડિંગમાં શિફ્ટ થશે, આ નવી સંસદમાં આયોજિત થનારું પ્રથમ સત્ર હશે. નવા સંસદ ભવનનું 28 મેના રોજ વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું.
લોકસભા સચિવાલયના આદેશ અનુસાર માર્શલ, સુરક્ષા કર્મચારીઓ, અધિકારીઓ, ચેમ્બર એટેન્ડન્ટ્સ અને ડ્રાઇવરોને નવો યુનિફોર્મ આપવામાં આવ્યો.