આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Budget 2024: મહારાષ્ટ્ર સરકારે બજેટમાં શું રાખ્યો લક્ષ્યાંક?

શિવસેના-ભાજપ-એનસીપીની ગઠબંધનવાળી શિંદે સરકારે શું કર્યાં સંકલ્પ, કોનું કરશે કલ્યાણ?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે આજે વચગાળાનું નાણાકીય બજેટ રજૂ કર્યું હતું. લોકસભાની ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના અને એનસીપીની યુતિવાળી રાજ્ય સરકારે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે ઈન્ફ્રાસ્ટ્રકચર સહિત વિકાસલક્ષી યોજના પર ભાર મૂકવામાં આવ્યો હતો. ખેડૂતો, મહિલાઓ અને નબળા વર્ગના લોકોના કલ્યાણ માટે કુલ મળીને 6 લાખ કરોડ રુપિયાના ખર્ચ (6,00,522 કરોડ)નું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.


છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સામે સૌપ્રથમ બજેટની બેગ મૂક્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન તેમ જ મહારાષ્ટ્રના નાણા પ્રધાન અજિત પવારે મહારાષ્ટ્રનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે આ બજેટ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.


મહારાષ્ટ્રમાં રેલવે માટે 15,554 કરોડની જોગવાઈ કરવાની સાથે રાજ્યમાં મેટ્રો અને રસ્તાઓની કાયાપલટ સાથે મહારાષ્ટ્રની ઈકોનોમી એક ટ્રિલિયન ડોલરની બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં નવી મેટ્રો શરૂ કરવા માટે વિશેષ યોજના તૈયાર કરવામાં આવી હોવાનું પણ પવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યમાં 263 નવી મેટ્રો લાઇન શરૂ કરવાનું લક્ષ્ય રાજ્ય સરકારનું છે, એમ તેમણે જણાવ્યું હતું.


ઉપરાંત, 8,609 કરોડ રૂપિયાની પૂરક માગણીઓનો પ્રસ્તાવ બજેટ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. અજિત પવારે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2024-25 માટે અત્યારે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. બાકીનું બજેટ લોકસભાની ચૂંટણી પૂરી થાય ત્યાર પછીના વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે.


તેમણે બજેટ રજૂ કરતા અમુક મોટી જાહેરાત કરી હતી જેની અસર મહારાષ્ટ્રની સામાન્ય જનતાને થશે. આ ઉપરાંત, તેમણે વિવિધ યોજનાઓ માટે ફાળવેલા બજેટની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાનની ‘ગ્રામ સડક’ એટલે કે ગામડાઓમાં રસ્તાઓ બનાવવા અને તેને રસ્તાઓ સાથે જોડવાની યોજના માટે 7,600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.


રાજ્યને 7057 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોનની જાહેરાત પણ પવારે કરી હતી. આ સિવાય રાજ્યમાં રેલવેની વિવિધ યોજનાઓ માટે 15 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. કૃષિ ક્ષેત્ર માટે પણ 3,650 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પશુપાલન વિભાગ માટે પણ સાડા પાંચસો કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવશે.


રાજ્યમાં 18 નાના ઔદ્યોગિક પરિસર શરૂ કરવામાં આવશે, જેમાં સૌથી મોટી જાહેરાત સામાન્ય નાગરિકો માટે મફત વીજળીની કરવામાં આવી હતી. સામાન્ય નાગરિકોને 300 યુનિટ વીજળી મફતમાં આપવાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. તે સિવાય વીજળીનો વેડફાટ ઘટે અને સૌર ઊર્જાનો ઉપયોગ વધે એ માટે રૂફ ટોપ સોલાર યોજના માટે પણ 78,000 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.


દરેક જિલ્લાઓમાં એક લાખ મહિલાઓને રોજગાર, વિદર્ભમાં સિંચન માટે બે હજાર કરોડ રૂપિયા, સંભાજીનગર એરપોર્ટ માટે 578 કરોડ રૂપિયા નાગપુરની મિહાન યોજનાઓ માટે 100 કરોડ રૂપિયા ઉપરાંત અન્ય અનેક પ્રકલ્પો માટે ભંડોળ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button