જેટ એરવેઝની ઉડાનનો અંત! સુપ્રીમ કોર્ટે સંપતિના લિક્વિડેશનનો આદેશ આપ્યો
નવી દિલ્હી: નાદારી નોંધાવી ચુકેલી જેટ એરવેઝ ફરીથી શરુ થવાની આશા પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે જેટ એરવેઝની સંપતિનું લિક્વિડેશન (SC’s order on Jet Airways assets) કરવાના આદેશ આપ્યા છે, એટલે કે હવે જેટ એરવેઝની સંપત્તિ વેચવામાં આવશે. અગાઉ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)એ મંજૂર રિઝોલ્યુશન પ્લાન હેઠળ જેટ એરવેઝની માલિકી જાલાન-કાલરોક કન્સોર્ટિયમ (JKC) ને સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપી હતી, આજે સુપ્રીમ કોર્ટે NCLATના નિર્ણયને રદ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લિક્વિડેશન જેટ એરવેઝના લેન્ડર્સ અને તેના કર્મચારીઓના હિતમાં રહેશે કારણ કે જાલાન-કાલરોક કન્સોર્ટિયમ (JKC) તેની મંજૂરીના પાંચ વર્ષ પછી પણ રિઝોલ્યુશન પ્લાનનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી સુપ્રીમ કોર્ટની બેંચે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) મુંબઈને લિક્વિડેટરની નિમણૂક માટે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે લેન્ડર્સને રૂ. 150 કરોડની પરફોર્મન્સ બેન્ક ગેરંટી (PBG) ને ઇનકેશ કરવાની પણ મંજૂરી આપી છે.
આપણ વાંચો: જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલને મળ્યા જામીન
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે NCLAT એ જાન્યુઆરી 2023ના કોર્ટના આદેશની અવગણના કરી છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ, NCLAT એ જેટ એરવેઝના રિઝોલ્યુશન અરજદાર જાલાન-કાલરોક કન્સોર્ટિયમની રૂ. 150 કરોડની પરફોર્મન્સ બેંક ગેરંટી એડજસ્ટમેન્ટ કરવાની મંજૂરી આપીને કોર્ટના જાન્યુઆરી 2023ના આદેશની અવગણના કરી છે.
નરેશ ગોયલની આગેવાની હેઠળની જેટ એરવેઝ એક સમયે દેશની પ્રીમિયર એરલાઇન હતી. જેટ એરવેઝ 2019 થી ગ્રાઉન્ડેડ છે અને તેની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત છે. ત્યારબાદ, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ જેટ એરવેઝના માલિકીના હકો યુકે સ્થિત કાલરોક કેપિટલ અને યુએઈ સ્થિત ઉદ્યોગપતિ મુરારી લાલ જાલાનના કન્સોર્ટિયમને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી.
જેટ એરવેઝને જાલાન-કાલરોક કન્સોર્ટિયમને વેચવાના NCLTના આદેશને પડકારતી બેંકોની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. SBIની આગેવાની હેઠળની બેંકોએ દલીલ કરી હતી કે કન્સોર્ટિયમ એરલાઇનને હસ્તગત કરવા માટેની શરતો પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું છે અને હવે તે એરલાઇનને ફરી કાર્યરત કરવાની સ્થિતિમાં નથી.
જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે એરલાઈન સંબંધિત આ મામલો આંખ ઉઘાડનારો છે. આ ભારતના ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ કોડ માટે ઘણા પાઠ આપે છે. સુપ્રીમ કોર્ટે NCLATના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેમાં ફિઝીકલ પુરાવાઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને કાયદાકીય સિદ્ધાંતોની અવગણના કરવામાં આવી છે.