મહિલાઓની ડાઇવિંગમાં અમેરિકાને સિલ્વર અને બ્રિટનને બ્રૉન્ઝ
પૅરિસ: શુક્રવારે પૅરિસમાં સલામતીના કડક બંદોબસ્ત અને વરસાદના વિઘ્નો વચ્ચે શાનદાર અને અભૂતપૂર્વ ઓપનિંગ સમારોહ સાથે 33મી ઑલિમ્પિક્સ ગેમ્સનો આરંભ થયો ત્યાર બાદ ચીનને એના ઍથ્લીટોએ ધમાકેદાર શરૂઆત કરાવી આપી હતી. શૂટિંગમાં ચીને 10 મીટર ઍર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં આ રમતોત્સવનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતી લીધો ત્યાર બાદ ચીને બીજો સુવર્ણ ચંદ્રક ડાઇવિંગમાં જીતી લીધો હતો.
ડાઇવિંગમાં દાયકાઓથી ચીનનું પ્રભુત્વ રહ્યું છે. 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ડાઇવિંગના આઠમાંથી સાત ગોલ્ડ ચીને જીતી લીધા હતા.
શનિવારે ચીનને ડાઇવિંગનો ગોલ્ડ મહિલાઓની સિન્ક્રોનાઇઝડ 3-મીટર સ્પ્રિન્ગબોર્ડ ઇવેન્ટમાં ચાન્ગ યાની અને ચેન યિવેને અપાવ્યો હતો. તેમણે પાંચ ડાઇવમાં હાઇએસ્ટ 337.68 પૉઇન્ટ મેળવ્યા હતા.
આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં કયા ભારતીયો કઈ રમતની હરીફાઈમાં પડકાર ફેંકશે? ચાલો, લાંબા લિસ્ટ પર નજર કરી લઈએ…
અમેરિકાની સારા બૅકૉન અને કૅસિડી કૂકની જોડી 314.64 પૉઇન્ટ સાથે બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ અને બ્રિટનની યાસ્મિન હાર્પર-સ્કાર્લેટ યેન્સેનની જોડી 302.28 પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે રહેતા બ્રૉન્ઝ જીતી હતી.
ચીનની આ જ ગોલ્ડ-મેડલિસ્ટ જોડી છેલ્લી ત્રણ વિશ્ર્વ સ્પર્ધામાં ગોલ્ડ જીતી હતી અને પૅરિસ ઑલિમ્પિક્સમાં સુવર્ણ જીતવા માટે ફેવરિટ ગણાતી હતી.
ડાઇવિંગની આ ઇવેન્ટ 2000ની સાલમાં પહેલી વાર દાખલ કરાઈ હતી અને એમાં ચીને સાતમાંથી છ ગેમ્સમાં ગોલ્ડ જીતી લીધો છે.