ગુજરાતની 4 સીટના ઉમેદવારનાં નામ લગભગ ફાઈનલ, કોંગ્રેસ કોને આપશે ટિકિટ? જાણો
ગુજરાતમાં એક તરફ પુરષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભા સીટ પર ઉમેદવારી રદ્દ કરાવવાને લઈ ક્ષત્રિય સમાજ લડાયક બન્યો છે, તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી બાકીની 4 લોકસભા સીટો અમદાવાદ પૂર્વ, રાજકોટ, નવસારી અને મહેસાણા પર ઉમેદવારોના નામની જાહેરાત ક્યારે કરશે તેને લઈ અટકળોનું બજાર ગરમ છે. આ ચાર બેઠક પૈકી ત્રણ બેઠક, જેવી કે મહેસાણા, અમદાવાદ પૂર્વ તથા રાજકોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાગીરીના આદેશથી ઉમેદવારોને ચૂંટણી લડવી પડશે તેવું આંતરિક સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ પૂર્વ, રાજકોટ, નવસારી અને મહેસાણા આ ચાર બેઠકો પૈકી રાજકોટ બેઠકની વાત કરીએ તો રાજકોટમાં પહેલાં કોંગ્રેસે કોળી પટેલને આપવાનું વિચાર્યું હતું. જો કે ભાજપના ઉમેદવાર રૂપાલાના બફાટ બાદ રાજકારણ ગરમાયું છે, જેથી તેમની સામે હવે લેઉવા પટેલ ઉમેદવારને જાહેર કરવામાં આવે તેવું જણાઇ રહ્યું છે, જેમાં પરેશ ધાનાણીનું નામ મોખરે છે. પરેશ ધાનાણી લેઉવા પટેલ છે. એટલું જ નહિ, પરંતુ તેમણે અમરેલી વિધાનસભામાં નાની ઉંમરે સિનિયર નેતા અને કડવા પાટીદાર એવા પુરુષોત્તમ રૂપાલાને હરાવીને જાયન્ટ કિલર બન્યા હતા. તેઓ હાલ લેઉવા પટેલમાં મોટા આગેવાન છે.તે ઉપરાંત તેઓ રાષ્ટ્રીય નેતાઓની ગુડબુકમાં છે. પહેલાં તેમણે ચૂંટણી લડવા માટે ઇનકાર કર્યો હતો, જો કે હવે મોવડીમંડળની સૂચનાને તાબે થઇને પરેશ ધાનાણી રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવે એવી શક્યતા જોવા મળી રહી છે.
આપણ વાંચો: ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?
જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક કે જે રોહન ગુપ્તાના ઈન્કાર અને રાજીનામા બાદ નધણિયાત થઈ છે તેના પર હવે રોહન ગુપ્તાના સ્થાને હિંમતસિંહને ચૂંટણીજંગમાં ઉતારાશે. પ્રદેશ નેતાગીરીની અમદાવાદ પૂર્વની બેઠક પર અમદાવાદ શહેરના પૂર્વ મેયર તેમજ પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ચૂંટણી લડે તેવી ઇચ્છા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રહી ચૂક્યા છે. ઉપરાંત તેમણે રાષ્ટ્રીય નેતૃત્વની સૂચનાથી પ્રદેશમાં અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખપદ સંભાળવું પડયું હતું. તેઓ બાપુનગરના મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છે. અગાઉ તેઓ એક વખત આ જ અમદાવાદ પૂર્વની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જોકે એમાં તેમને હાર મળી હતી, પરંતુ તેમને પણ રાષ્ટ્રીય નેતાઓની સૂચનાથી ફરીવાર આ જ બેઠક પરથી ચૂંટણી લડવી પડશે.
તે જ પ્રકારે પટેલો અને ચૌધરીઓનું વર્ચસ્વ ધરાવતી મહેસાણા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર પહેલાં મહેસાણા જિલ્લા પ્રમુખ હસમુખ ચૌધરીના નામની ચર્ચા હતી, પરંતુ તેમણે આર્થિક કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાનું કોંગ્રેસનાં સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. હવે કોંગ્રેસ આ બેઠક પર કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય મુખ્ય સંગઠક લાલજીભાઇ દેસાઇને ટિકિટ આપી શકે છે, લાલજીભાઇ દેસાઇ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી છે. તેઓ પણ કોંગ્રેસની રાષ્ટ્રીય નેતૃત્વની સૂચનાથી ચૂંટણીમાં મેદાનમાં ઉતરે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
આપણ વાંચો: લોકસભા સાથે 26 વિધાનસભા બેઠકની પણ ચૂંટણી, ગુજરાતની પાંચનો સમાવેશ
હવે જે સીટ બાકી રહી તે છે નવસારી, આ સીટ પર ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સામે બાથ ભીડવા માટે કોંગ્રેસ કોને તૈયાર કરશે તે રસપ્રદ મુદ્દો છે. કોંગ્રેસના વર્તુળોમાં નવસારીની બેઠક માટે કોંગ્રેસના સિનિયર પ્રવકતા નૈષધ દેસાઈ, નવસારી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ નિરવ નાયક અને શૈલેષ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે, જો કે નૈષેધ દેસાઇનું નામ હાલ મોખરે છે. વર્ષોથી લેબર મૂવમેન્ટ અને જુદાં જુદાં યુનિયનો સાથે જોડાયેલાં તથા ઇન્ટુકના પ્રમુખ રહી ચૂકેલા નૈષેધ દેસાઇ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વની પહેલી પસંદ છે. ઉલ્લેખનિય છે કે નૈષેધ દેસાઇ સુરત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે તેઓ હારી ગયા હતા.
આ અગાઉ નવસારી બેઠક પર સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ દ્વારા દાવેદારી કરાતા લઘુમતિ સમાજમાંથી જ વિરોધ શરૂ થયો હતો, ત્યારે લઘુમતિ ઉમેદવારને બદલે સ્થાનિકને ટિકીટ ફાળવવાની રજૂઆત કરાઈ હતી.