નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી (આપ)ને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. આ સિવાય ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘અપ્રમાણિત’ દાવો કરતા નિવેદનો કરવા બદલ કારણ બતાવો નોટિસ આપી હતી.
ભાજપે ચુંટણી પંચને ફરિયાદ કરી હતી કે પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં મધ્ય પ્રદેશમાં એક ચૂંટણી રેલીમાં વડા પ્રધાન મોદી વિશે ‘ખોટા’ અને ‘અપ્રમાણિત’ નિવેદનો કર્યા હતા. ભાજપની ફરિયાદ પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે પ્રિયંકા ગાંધીને ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં તેમના નિવેદન અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. ભાજપે આરોપ મુક્યો હતો કે પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ)નું ખાનગીકરણ કર્યું હોવાના પાયા વિનાના અને ખોટા દાવા કર્યા હતા.
આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોના આધારે પણ ભાજપે ફરિયાદ દાખલ કરી હતી. ભાજપની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને કારણ બતાવો નોટિસ પાઠવી હતી અને 16 નવેમ્બરે સાંજે 7 વાગ્યા સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આ નોટિસ પાઠવવામાં આવી હતી
ચૂંટણી પંચે કેજરીવાલને પૂછ્યું છે કે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે યોગ્ય કાર્યવાહી કેમ ન કરવી જોઈએ? નિર્ધારિત સમયની અંદર તમારા તરફથી કોઈ જવાબ ન મળવાની સ્થિતિમાં, એવું માની લેવામાં આવશે કે તમારી પાસે આ મામલે કહેવા માટે કંઈ નથી અને ચૂંટણી પંચ આ મામલે યોગ્ય પગલાં અથવા નિર્ણય લેશે. કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી, પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અને રાજ્યસભાના સભ્ય અનિલ બલુની અને પાર્ટીના નેતા ઓમ પાઠક સહિત ભાજપના એક પ્રતિનિધિમંડળે આ મુદ્દે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો