નવી દિલ્હી: વાહનચાલકોના ‘હિટ-એન્ડ-રન’ માર્ગ અકસ્માતના કેસ અંગેના નવા દંડ કાયદા સામે સતત બીજા દિવસે દેશના વિવિધ રાજ્યોમાં ટ્રક ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનને કારણે ઘણી જગ્યાએ પેટ્રોલ અને ડિઝલની અછત થવાની સંભાવનાઓ વધી ગઈ હતી. ઇન્ડિયન પીનલ કોડને બદલે ઇન્ડિયન જ્યુડિશિયલ કોડના નવા નિયમો શરૂ કરવામાં આવનાર છે.
જેમાં હિટ એન્ડ રનમાં ડ્રાઇવરો માટે 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે જેઓ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને ગંભીર માર્ગ અકસ્માત સર્જે છે. અને પછી ઘટના સ્થળેથી ભાગી જાય છે. ત્યારે સમગ્ર દેશમાં ટ્રક ચાલકોના વિરોધને ધ્યાનમાં રાખીને ગૃહ સચિવ આજે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે બેઠક કરવાની તૈયારીઓ કરી રહી છે. જેથી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં આવે અને સામાન્ય લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ બેઠક સાંજે 7 કલાકે યોજાવાની છે.
મહારાષ્ટ્રના પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના સેક્રેટરી અકીલ અબ્બાસે જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજીનગરમાં કેટલાક પેટ્રોલ પંપ પર વહેલા કામ બંધ કરવામાં આવ્યું હતું તેમજ સોલાપુર, કોલ્હાપુર, નાગપુર અને ગોંદિયા જિલ્લામાં પણ ‘રાસ્તા રોકો’ પ્રદર્શનો યોજાયા હતા, જો કે નવી મુંબઈ અને અન્ય સ્થળોએ સ્થિતિ નિયંત્રણમાં છે.
છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં પણ પેસેન્જર બસોના ડ્રાઇવરોએ ‘હિટ-એન્ડ-રન’ કેસ સંબંધિત નવો કાયદો પાછો ખેંચવાની માંગ સાથે બસોના પૈડા થંભાવી દીધા હતા. જેના કારણે મુસાફરોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વિરોધમાં ટ્રક ચાલકો પણ સામેલ થયા હતા જેના કારણે માલસામાનની હેરફેરને પણ અસર થઈ હતી. ટ્રક ચાલકોની હડતાળને કારણે પેટ્રોલ અને ડીઝલના પુરવઠાને અસર થવાની આશંકાથી શહેરોમાં પેટ્રોલ પંપો આગળ લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી.
હિટ એન્ડ રનના નવા કાયદાના કારણે ચંદૌલીમાં ડેપોની બહાર સેંકડો ટેન્કરો પાર્ક કરવામાં આવ્યા છે. તમામ વાહનચાલકો નારા લગાવી રહ્યા છે. સ્થિતિને જોતા ડેપોના ગેટ આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડ્રાઇવરોનું કહેવું છે કે જ્યાં સુધી કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રહેશે.
હિટ-એન્ડ-રન’ કેસ સંબંધિત નવા કાયદાના વિરોધમાં ટ્રક અને ટેન્કર સહિતના કોમર્શિયલ વાહનોના ડ્રાઇવરોએ મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં કામ બંધ કરી દીધું હતું. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ મુંબઈ-આગ્રા નેશનલ હાઈવે અને ઈન્દોરના કેટલાક રસ્તાઓ પણ બ્લોક કરી દીધા હતા, જેનાથી આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતા વાહનોની અવરજવર પર પણ અસર થઈ હતી.