કોલકાતા: પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીને યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યા બાદ લાગવવામાં આવેલી તકતીઓ બાબતે વિવાદ ઉભો થયો હતો. કેન્દ્ર સરકારે આ વિવાદાસ્પદ તકતીઓ બદલવા આદેશ આપ્યો છે. સૂત્રએ જણાવ્યું હતું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે યુનિવર્સિટીને તકતીઓ દૂર કરવા અને તેના સ્થાને નોબેલ પુરસ્કાર વિજેતા રવીન્દ્રનાથ ટાગોરના નામવાળી તકતીઓ લગાવવા જણાવ્યું છે.
વિશ્વભારતીના પ્રવક્તાએ કહ્યું, જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી અમને લેખિત પરિપત્ર ન મળે ત્યાં સુધી અમે તકતીઓ વિશે કંઈપણ પુષ્ટિ કરી શકતા નથી.
ગત 17 સપ્ટેમ્બરના રોજ શાંતિનિકેતનને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યાના થોડા દિવસો પછી કેમ્પસના વિવિધ ભાગોમાં સન્માનની યાદમાં ત્રણ તકતીઓ લગાવવામાં આવી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર વિદ્યુત ચક્રવર્તીના નામ હતા, પરંતુ તકતીમાં શાંતિનિકેતન અને વિશ્વભારતીના સ્થાપક તથા મહાન સાહિત્યકાર રવીન્દ્રનાથ ટાગોરનું નામ ન હતું. જેના કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને રાજકીય પક્ષોએ હોબાળો શરૂ કર્યો હતો.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ 26 ઑક્ટોબરે વિશ્વ-ભારતીને તાત્કાલિક તકતીઓ બદલવા અથવા પરિસરમાં તેમના પક્ષના કાર્યકરો દ્વારા અનિશ્ચિત વિરોધનો સામનો કરવા જણાવ્યું હતું. ચક્રવર્તીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થતાં અને કલા ભવનના પ્રિન્સિપાલ વીસી સંજય કુમાર મલિકે કાર્યકારી વાઇસ ચાન્સેલર તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યાર બાદ 8 નવેમ્બરે વિરોધ બંધ કરવામાં આવ્યો હતો.
ચાર્જ સંભાળ્યા પછી તરત જ સંજય કુમાર મલિકે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ખાતરી કરશે કે યુનિવર્સિટીની કામગીરી ટાગોરના આદર્શો અને મૂલ્યો મુજબ કરવામાં આવે.