‘નાસા’ના એડમિનિસ્ટ્રેટરે ભારતને આ કારણસર આપ્યા અભિનંદન
મુંબઈઃ ભારતની મુલાકાતે આવેલા નેશનલ એરોનોકટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન આજે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટ ખાતે આવેલા નાસાના એડમિનિસ્ટ્રેટરે ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ના ચંદ્રયાન મિશનને મળેલી અભૂતપૂર્વ સફળતા બદલ ઈસરો-ભારતને અભિનંદન આપ્યા હતા.
ચંદ્ર પર ઈસરોના ચંદ્રયાન-થ્રીનું દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ રહ્યું હતું. અભિનંદન એ માટે ખાસ કરીને કારણ કે અગાઉ ત્યાં કોઈ પહોંચી શક્યું નહોતું, ત્યાં ઇસરોને સફળતા મળી હતી, જે નોંધનીય બાબત છે, એવું તેમણે જણાવ્યું હતું.
ભારતના વૈજ્ઞાનિક, એસ્ટ્રોનેટના અનુભવોને કારણે આ ક્ષેત્રે સંયુક્ત જોડાણ કરવાની યોજના છે, એમ તેમણે ભારત સાથેના જોડાણ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું.
યુએસ કોન્સ્યુલેટની વિઝિટ સાથે નેલ્સન આઈઆઈટી બોમ્બેની મુલાકાત પણ લીધી હતી. આઈઆઈટીના વિદ્યાર્થી સાથે યુએસ ઈન્ડિયા કો-ઓપરેશન ઈન સ્પેસ રિસર્ચ એન્ડ ઈનોવેશન એન્ડ એવેન્યુસ અંગે પણ ચર્ચા કરી હતી. ભારતની મુલાકાતે આવેલા નાસાના પ્રમુખ બિલ નેલ્સને ઈસરોમાં વિદ્યાર્થી અને સ્પેસમાં ઉડાન ભરનારા ભારતીય એસ્ટ્રોનોટ રાકેશ શર્મા સાથે પણ મુલાકાત કરી હતી.
અમેરિકા અને ભારત આગામી વર્ષના અંત સુધીમાં ભારતીય અવકાશયાત્રીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવાની યોજના પર સાથે મળી કામ કરી રહ્યા છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા ભારતીય એસ્ટ્રોનેટને આગામી વર્ષના અંત સુધીમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર મોકલશે. એસ્ટ્રોનેટની પસંદગી ઈસરો કરશે, જ્યારે નાસા એસ્ટ્રોનેટને તાલીમ આપવામાં મદદ કરશે, એમ નાસાના એડમિનિસ્ટ્રેટરે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નાસા-ઈસરો સિન્થેટિક એપર્ચર રડાર (નિસાર) મિશનએ નાસા અને ઈસરો વચ્ચેનું પ્રથમ ઉપગ્રહ મિશન છે. આ મિશન વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવશે. હાલના તબક્કે લોન્ચિંગ પહેલા પરીક્ષણ અને એકીકરણનું કામકાજ ચાલી રહ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોને ૨૦૩૫ સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓને ઉતારવાનું લક્ષ્ય રાખવા જણાવ્યું છે.