જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર…પીએમ મોદીએ કેમ આવું કહ્યું?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર તેમની પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું હતું કે જનતાને સલામ… મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતની જનતાનો વિશ્વાસ માત્રને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં જ છે, ભાજપમાં તેમને અતૂટ વિશ્વાસ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર પોસ્ટ કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે હું આ તમામ રાજ્યોના નાગરિકોનો ભાજપ પર દેખાડેલા પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. હું તમને બધાને એ વાતની ખાતરી આપું છું કે અમે સતત તમારા કલ્યાણ માટે જ કામ કરીશું.
આગળ તેમણે એવું પણ કહ્યું હતું કે “આજના આ પ્રસંગે, હું પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો ખાસ આભાર માનું છું. તમે બધાએ ખરેખર એક અદ્ભુત દાખલો બેસાડ્યો છે. જે રીતે તમે લોકોએ ભાજપના વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓ લોકો સુધી પહોંચાડી છે એના વખાણ કરી શકાય એમ નથી. અમે વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે ન તો અટકવાનું છે કે ન થાકવાનું છે. આપણે ભારતને વિજયી બનાવવું છે. આજે આપણે સાથે મળીને આ દિશામાં મજબૂત પગલું ભર્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કે, ભાજપને સમર્થન આપવા બદલ તેલંગાણાના મારા પ્રિય ભાઈઓ અને બહેનોનો આભાર. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોનો ટેકો વધી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવું ચાલું જ રહેશે. તેલંગાણા સાથે અમારો સંબંધ અતૂટ છે અને અમે લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશું.
હું ભાજપના દરેક કાર્યકર્તાની મહેનતની પ્રશંસા કરું છું.
આજના પરિણામો પરથી એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાજપ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે. સાંજના 4 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડાની વાત કરીએ તો મધ્યપ્રદેશની 230 બેઠકોમાંથી ભાજપે 10 બેઠકો જીતી છે અને 156 બેઠકો પર આગળ છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં ત્રણ બેઠકો જીતી છે અને તેના ઉમેદવારો 60 બેઠકો પર આગળ છે.
રાજસ્થાનની વાત કરીએ તો અહીં ભાજપે 53 બેઠકો જીતી છે જ્યારે તેના ઉમેદવારો 62 બેઠકો પર આગળ છે. કોંગ્રેસે 27 સીટો જીતી છે અને 42 સીટો પર આગળ છે. રાજ્યમાં 199 બેઠકો પર મતદાન થયું હતું.