આમચી મુંબઈટોપ ન્યૂઝ

Mumbai Infra: Thane થી Borivali સડસડાટ, ટ્વીન ટ્યૂબ ટનલને મળી મંજૂરી

મુંબઈઃ મુંબઈને દોડતું રાખવા હવે સમગ્ર મુંબઈ મેટ્રો રિજન (એમએમઆર) વચ્ચે કનેક્ટિવીટ વધારવી અનિવાર્ય બની ગઈ છે. મુંબઈનો વિકાસ હવે દહીંસરથી ચર્ચગેટ કે મુલુન્ડથી સીએસટી સુધીની હદમાં નથી રહ્યો. શહેર દરેક જગ્યાએ વિકાસની પાંખો ફેલાવી રહ્યું છે. આ સાથે રોજગારીની તકો ઊભી થાય છે અને તે માટે કાંદીવલીમાં રહેતા માણસને થાણે જવું પડે અને થાણે રહેતા માણસને અંધેરી આવવું પડે છે. આ ચારેય દિશાને એકબીજા સાથે જોડવી અહીંની એજન્સીઓ માટે મોટો પડકાર છે. જોકે મેટ્રોનું નેટવર્ક, વિવિધ ફ્લાયઓવર, સિ-લિન્કની ની મદદથી આ કામ થઈ રહ્યું છે. હવે આમાં એક નવો પ્રોજેક્ટ જોડાશે તે છે થાણે-બોરીવલી ટ્વીન ટયૂબ ટનલ (Twin tube tunnel). થાણે અને બોરીવલીનો જોડતો આ પ્રોજેક્ટ ઘણા સમયથી પ્રસ્તાવિત છે, પરંતુ પર્યાવરણ વિભાગની મંજૂરીની રાહ જોવાઈ રહી હતી ત્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના કમિશનર ડૉ, સંજય મુખરજીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે નેશનલ બૉર્ડ ઓફ વાઈલ્ડલાઈફ દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે અને હવે કામ શરૂ થઈ શકશે. આ પ્રોજેક્ટ સંજય ગાંધી નેશનલ પાર્ક નીચેથી પસાર થવાનો હોય બોર્ડની મંજૂરી મળવી આવશ્યક છે.

આ પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો આ બોરીવલીના નેશનલ વેસ્ટર્ન એકસપ્રેસ વેના છેડાથી ઘોડબંદર થઈ થાણે જશે. આ ટ્વીટ ટયૂબ ટનલ નેશનલ પાર્ક નીચેી પસાર થવાની છે. ત્રણ અલગ અલગ પેકેજમાં આ ટનલનું કામ પૂરું થશે. જેમાં બોરીવલી સાઈડ 5.57 કિમીની લંબાઈનું કામ છે થાણે સાઈડ 6.5 કિમીની લંબાઈનું કામ છે અને ત્રીજા પેકેજમાં ઈલેક્ટ્રિકલ અને મેકેનિકલ વર્ક થશે. હાલમાં આ પ્રોજેક્ટની કિંમત રૂ. 16600.40 કરોડ આંકવામાં આવી છે.


પ્રોજેક્ટની કુલ લંબાઈ 11.8 કિમી લાંબી છે, જેમાંથી 10.25 કિમીની ટનલ અને 1.55 કિમીનો અપ્રોચ રોડ બનશે. આ પ્રોજેક્ટ પૂરો થતાં થાણેથી બોરીવલી સુધીનું અંતર 12 કિલોમીટર ઓછું થશે અને વાહનચાલકોનો લગભગ એક કલાક જેટલો સમય બચશે. આ સાથે ડાયરેક્ટ કનેક્ટિવીટીને કારણે ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થશે. જોકે પર્યાવરણપ્રેમીઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button