નવી દિલ્હી: ઇલેક્ટ્રિક કાર બનાવતી જાયન્ટ કંપની ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કાર આયાત કરવા અને પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવા માટે મહત્વની જાહેરાત કરે એવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા મુજબ ભારત સરકાર ટૂંક સમયમાં Tesla Inc. સાથે એક કરાર જઈ રહી છે. ટેસ્લા આવતા વર્ષથી દેશમાં તેની ઈલેક્ટ્રિક કાર આયાત કરવા અને બે વર્ષની અંદર ભારતમાં ફેક્ટરી સ્થાપવાનું આયોજન કરી રહી છે. આગામી જાન્યુઆરી મહિનામાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમ્મિટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. ટેસ્લા હાલમાં યુએસ, ચીન અને જર્મનીમાં ફેક્ટરીઓ ધરાવે છે.
સુત્રોના જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાત, ઉપરાંત મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ટેસ્લાનો પ્લાન્ટ વિચારણા હેઠળ છે, આ રાજ્યોમાં પહેલેથી જ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને નિકાસ માટે સારી રીતે સ્થાપિત ઇકોસિસ્ટમ છે. સુત્રોના જણાવ્યા મુજબ ટેસ્લા લગભગ 2 બિલિયન અમેરિકન ડોલરના પ્રારંભિક લઘુત્તમ રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહી છે. ટેસ્લા ખર્ચ ઘટાડવા માટે ભારતમાં બેટરી ઉત્પાદનનો પણ પ્રયાસ કરશે.
જો કે સુત્રોએ એમ પણ જણાવ્યું હતું કે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને યોજનામાં બદલાવ થઇ શકે છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોન મસ્કએ જૂનમાં જણાવ્યું હતું કે ટેસ્લા ભારતમાં “નોંધપાત્ર રોકાણ” કરવાની યોજના ધરાવે છે અને તેઓ 2024માં ભારતની મુલાકાત લેવા માગે છે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્રમાં જ્યાં મહત્વાકાંક્ષી મધ્યમ-વર્ગના ગ્રાહકોમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે ત્યાં પ્લાન્ટ સ્થાપવો ટેસ્લા માટે એક વરદાન સમાન હશે. ટેસ્લા ભારતમાં કારની સીધી આયાત કરતું નથી કારણ કે તેના પર ઊંચા ટેરિફ વસૂલવામાં આવે છે. જ્યારે ટેસ્લા સ્થાનિક રીતે બનાવેલી કારનું $20,000 જેટલી ઓછી કિંમતે છૂટક વેચાણ કરી શકે છે,
ઈલોન મસ્કે અગાઉ ભારતના ઊંચા આયાત કર અને EV નીતિઓની ટીકા કરી હતી. ભારતે ટેસ્લાને તેના રાજકીય હરીફ દેશ ચીનમાં બનેલી કાર ભારતમાં ન વેચવાની સલાહ આપી હતી. ભારત સરકાર હવે આંતરરાષ્ટ્રીય EV ઉત્પાદકોને આકર્ષવા માટે પાંચ વર્ષના સમયગાળા માટે આયાત કર ઘટાડવાનું વિચારી રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વિહિકલના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને સ્વચ્છ પરિવહનને વધુ ઝડપથી અપનાવવા પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકી રહી છે. એક રીપોર્ટ અનુસાર, આ પ્રયાસો છતાં ભારતનું EV બજાર આશા પ્રમાણે વિકસ્યું નથી, ગયા વર્ષે બેટરી સંચાલિત કારનું વેચાણ કુલ પેસેન્જર વાહનોના વેચાણનું માત્ર 1.3% રહ્યું હતું. ઈલેક્ટ્રિક કારની ઊંચી અપફ્રન્ટ કિંમત અને ચાર્જિંગ સ્ટેશનની અછતને કારણે ખરીદદારો અચકાય છે.