ટોપ ન્યૂઝનેશનલ

હરિયાણાના પાણીપતમાં લૂંટારુઓનો આતંક, ત્રણ શ્રમિક મહિલાઓ બળાત્કાર ગુજારી લુંટ ચલાવી

હરિયાણાના પાણીપતના એક ગામમાં શ્રમિક મહિલાઓ પર અત્યાચારની બે આઘાતજનક ઘટના બની હતી. પોલીસ અધિકારીઓના જણવ્યા મુજબ ચાર અજાણ્યા શખ્સોએ ત્રણ મહિલાઓ પર તેમના પરિવારના સભ્યોની સામે બળાત્કાર ગુજાર્યો હતો, અન્ય એક ઘટનામાં લૂંટારુઓએ મહિલાને માર મારી હત્યા કરી હતી. હરિયાણા પોલીસે જણાવ્યું કે આ બંને ઘટના બુધવારે મોડી રાત્રે એક જ ગામમાં બની હતી, આરોપીઓ પાસે ચાકુ અને અન્ય તીક્ષ્ણ હથિયાર હતા. બેન્ને પીડિત પરિવાર સ્થાનિક ખેડૂતોના ફિશ ફાર્મમાં કામ કરે છે.

પોલીસે આપેલી માહિતી મુજબ ચાર શખ્સોએ શ્રમિક પરિવારના ઘરમાં ઘુસીને પહેલા પરિવારના પુરુષ સભ્યો અને બાળકો દોરડાથી બાંધી દીધા, ત્યારબાદ ત્રણ શ્રમિક મહિલાઓને એક અલગ રૂમમાં લઇ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે જણાવ્યું કે લૂંટારુઓએ મહિલાઓને એક રૂમમાં બંધ કરી દીધી હતી અને રૂ.13,000 અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે રાત્રે જ બનેલી અન્ય એક ઘટનામાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના પતિને લુંટી લેવામાં આવ્યો હતો. આ ઘટના ગેંગ રેપના સ્થળથી લગભગ એક કિલોમીટર દૂર બની હતી જેમાં મહિલાનું મોત થયું હતું.

પોલીસને શંકા છે કે જે હુમલાખોરો સામૂહિક બળાત્કારની ઘટનામાં સંડોવાયેલા હતા તેમણે જ દંપતીના ઘરમાં બળજબરીથી ઘૂસીને હુમલો કર્યો હોઈ શકે છે. હુમલાખોરોએ મહિલાના પતિ પાસેથી પૈસા અને તેનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો.

મૃતક મહિલાના પતિએ જણાવ્યું હતું કે રાત્રે એક વાગ્યાની આસપાસ હથિયારો સાથે ચાર શખ્સો પહેલા ફાર્મમાં ઘુસ્યા અને તેમના પર હુમલો કર્યો, મોબાઈલ ફોન અને રૂ.5,000 છીનવી લીધા. આરોપીઓ હરિયાણવી બોલી રહ્યા હતા અને તેમની પાસે પિસ્તોલ અને તલવાર હતી. તેમણે મહિલાને છાતી પર માર માર્યો થોડા કલાકો પછી તેનું મૃત્યુ થયું.

પાણીપતના મતલૌડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે બંને ઘટનાઓ એક જ ગામમાં બની હતી. તપાસ ચાલુ છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હત્યા, બળાત્કાર અને લૂંટ મામલે બે એફઆઈઆર નોંધવામાં આવી છે. મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. બળાત્કાર પીડિત મહિલાઓની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button