હાથરસથી કશું ના શીખ્યા? મરીન ડ્રાઈવ પર મોટી દુર્ઘટના બનતા રહી ગઈ, જુઓ તસ્વીરો
મુંબઈ: ઉત્તર પ્રદેશન હાથરસમાં બનેલી નાસભાગ(Hathras Stampede)ની ઘટનામાં મૃત્યું પામેલા 121 લોકોના પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. આવી ભયાનક ઘટના બાદ પણ પ્રસાશન અને લોકોને બોધપાઠ શીખવા તૈયાર ન હોય એવું લાગી રહ્યું છે, ગઈ કાલે ઇન્ડિયન ક્રિકેટ ટીમની વિક્ટરી પરેડ(Victory Parade) દરમિયાન મુંબઈના મરીન ડ્રાઈવ(Marine Drive) પર ઉમટેલી ભીડ આ વાતની સાબિતી આપે છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ પરેડ દરમિયાન ડ્રાઈવ ખાતે એકઠા થયેલા ઘન ચાહકોને ઈજા થઈ હતી, કેટલાક બેભાન થઇ ગયા હતા.
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવા માટે ગુરુવારે મુંબઈના મરીન ડ્રાઈવ પર જોવા મળેલો નજારો સૂચવે છે ભારતના ક્રિકેટ પ્રેમીઓ માટે આ જીત કેટલી મહત્વની છે. પરંતુ શુક્રવારની સવારે મરીન ડ્રાઇવ પરથી સામે આવેલી તસવીરો એ પણ સંકેત આપે છે કે ગુરુવારે સાંજે વિજયોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના બની શકી હોત શકે છે.
આ તસવીરોમાં મરીન ડ્રાઈવ પર સેંકડો ચપ્પલ અને શૂઝ વેરવિખેર પડેલા જોવા મળે છે. એવું લાગે છે કે જુસ્સાને કારણે ભીડમાં સામેલ લોકોએ સલામતીની કોઈ વાત પર ધ્યાન આપ્યું ન હતું.
મરીન ડ્રાઈવ પર જમા થયેલી ભીડમાં સામેલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે. ભીડમાં ધક્કામુકીને કારણે કેટલાક લોકો ગભરામણ થતા તબિયત લથડી હતી. સોશિયલ મીડિયા પર આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં ભીડ વચ્ચે ચાહકોની તબિયત બગડતી જોવા મળી રહી છે.
માહિતી અનુસાર, ગઈકાલે સાંજે વિજય પરેડ દરમિયાન ગૂંગળામણ અને અન્ય કારણોસર કુલ 9 લોકો ઘાયલ થયા છે. આમાંથી બે લોકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સાતને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
શુક્રવારની સવારે મરીન ડ્રાઈવ પરથી જે તસવીરો જોવા મળી છે તે ખૂબ જ ચિંતાજનક છે. સદનસીબે આટલી મોટી ભીડ હોવા છતાં કોઈ નાસભાગ મચી ન હતી અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પણ જો સહેજ પણ ભૂલ થઈ ગઈ હોત તો શું થઈ શક્યું હોત તેની કલ્પના કરાવી જ ભયાનક છે. નાનકડી ભૂલને કારણે ચાહકોનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હોત.