આ તારીખથી સુરતથી દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ શરુ થશે!

સુરત: વડા પ્રધાન મોદી આગામી 17 ડિસેમ્બરના રોજ સુરતને વિશ્વના સૌથી મોટા ઓફીસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સ(SDB)ની ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે આજ દિવસે સુરતને વધુ એક ભેટ મળશે. એર ઈન્ડિયા એક્સપ્રેસ 17 ડિસેમ્બરથી સુરત-દુબઈ ફ્લાઈટ શરૂ કરે તેવી શક્યતા છે. આ સાથે સુરતના મુસાફરોને દુબઈ થઈને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુનાઈટેડ કિંગડમ અને અન્ય દેશોમાં જવા માટે કનેક્ટિવિટી મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતથી વહેલી સવારે ફ્લાઇટ ઉપડશે અને સવારે નવ વાગ્યે દુબઈ પહોંચશે. આ જ ફ્લાઈટ લગભગ 1 વાગ્યે સુરત પરત ફરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત એરપોર્ટના નવા ટર્મિનલના ઉદ્ઘાટન કરશે ત્યારે તેમની હાજરીમાં સંભવતઃ પ્રથમ ફ્લાઇટ ટેકઓફ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફ્લાઇટ દરરોજ અથવા અઠવાડિયામાં ચાર દિવસ માટે હોવાની શક્યતા છે. જો બધું બરાબર રહેશે, તો સુરતની હોંગકોંગની ફ્લાઇટ પણ શરુ થશે.
હીરાના વેપારીઓ અને સુરતીઓની લાંબા સમયથી પડતર માંગણી હતી દુબઈ ઉપરાંત વિશ્વના અન્ય મહત્વના શહેરો માટે ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે. ઉલ્લેખનીય છે કે સુરતીઓ વેપાર અને પ્રવાસન હેતુ માટે દુબઈ, યુએસ અને યુરોપ જાય છે. દુબઈની ફ્લાઈટને કારણે દુનિયા સાથે કનેક્ટિવિટી સરળ બનશે.
મળતી માહિતી મુજબ, સુરતથી શારજાહ માટે અઠવાડિયામાં પાંચ દિવસ ફ્લાઈટ છે. આ રૂટ પર પેસેન્જર લોડ લગભગ 85 ટકા રહે છે. જો કોઈને દુબઈથી યુએસ અથવા યુરોપની ફ્લાઈટ પકડવી હોય તો તેણે શારજાહથી દુબઈ સુધી જમીન માર્ગે મુસાફરી કરવી પડે છે, જેમાં એક કલાકથી વધુ સમય લાગે છે. જે તકલીફ દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ શરુ થતા નહીં રહે.