નવી દિલ્હી: દેશભરમાં હેટ સ્પીચની વધતી ઘટનાઓના મામલામાં સુપ્રીમ કોર્ટે ગુજરાત, કેરળ, નાગાલેન્ડ અને તમિલનાડુને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને પૂછ્યું કે તેઓ જણાવે કે તેમણે નોડલ ઓફિસરની નિમણૂક કરી છે કે નહીં? સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 5 ફેબ્રુઆરી 2024ના રોજ થશે.
કેન્દ્ર સરકારે સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરીને કહ્યું કે 28 રાજ્યોએ નોડલ ઓફિસરની નિમણૂક કરી છે. એડીશનલ સોલિસિટર જનરલ(એએસજી) કેએમ નટરાજને કોર્ટને જણાવ્યું કે ગુજરાત, કેરળ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ હજુ સુધી તેમનો જવાબ દાખલ કર્યો નથી. નોડલ અધિકારીઓની નિમણૂક અંગે પણ કોઈ માહિતી નથી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે કેટલા રાજ્યોએ તેમના જવાબો દાખલ કર્યા છે. બંગાળ સરકારે કોર્ટને કહ્યું કે તેણે નોડલ ઓફિસરની નિમણૂક કરી છે.
એએસજી કેએમ નટરાજે જણાવ્યું હતું કે 11 ઓક્ટોબરના રોજ ગૃહ સચિવે તમામ રાજ્યોની બેઠક બોલાવી હતી અને લેવાના પગલાં અને અનુપાલન અહેવાલો ફાઇલ કરવાની જરૂરિયાત વિશે માહિતી આપી હતી. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે અમે રાજ્યોને નોટિસ પાઠવીશું, રાજ્યોએ જણાવવું જોઈએ કે નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે કે નહીં.
અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ નિઝામ પાશાએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ હેટ સ્પીચ આપે છે તો તેને ફરીથી સભાઓને સંબોધિત કરવાની છૂટ છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે તમે એ માટે સંબંધિત હાઈકોર્ટમાં જઈ શકો છો.