
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. દારૂ નીતિમાં કથિત મની લોન્ડરિંગ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે તેમને શરતો સાથે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટનું કહ્યું કે હવે અરવિંદ કેજરીવાલે ટ્રાયલ કોર્ટને સહકાર આપવો પડશે.
જસ્ટિસ કાંતે ચુકાદામાં મુક્તિ અને ઝડપી સુનાવણીના મુદ્દા પર ભાર મૂક્યો હતો. દિલ્હીના સીએમને નિયમિત જામીન આપવાના મુદ્દે જસ્ટિસ ભૂઈયા પણ જસ્ટિસ કાંત સાથે સહમત થયા હતા.
જસ્ટિસ ભૂઈયએ જણવ્યું કે: “જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. તમામ અદાલતોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે કાર્યવાહી અને ટ્રાયલની પ્રક્રિયા પોતે જ સજાનું સ્વરૂપ ન બની જાય.”
જસ્ટિસ ભૂઈયાએ સીબીઆઈ દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાનની ધરપકડના સમય અને રીત પર સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ ભૂઈયાએ કહ્યું કે “અસહકારના આધાર પર સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડ અસ્વીકાર્ય છે. સીબીઆઈએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે ‘પાંજરામાં બંધ પોપટ’ હોવાની છાપ બદલે.”
બેંચે જામીન માટે 10-10 લાખ રૂપિયાના બે બોન્ડ જમા કરવા કહ્યું હતું. તેમજ આ કેસ પર ટિપ્પણી ન કરવા જણાવ્યું હતું.
CBIએ કરેલી અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભૂઈયાના મત અલગ અલગ રહ્યા હતાં. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે સીબીઆઈ દ્વારા ધરપકડ કાયદેસર છે. કેજરીવાલને ₹10 લાખના જામીન પર મુક્ત કરવામાં આવે, તેમને કેસ પર જાહેરમાં ટિપ્પણી કરવાની મંજૂરી નથી.
જયારે જસ્ટિસ ભૂઈયાએ કહ્યું કે ED કેસમાં કેજરીવાલને આપવામાં આવેલા જામીનને બિનઅસરકારક બનાવવા ધરપકડ કરવામાં આવી હતી.