
હૈદરાબાદ: બિગ-હિટર્સ ધરાવતી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે અહીં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચને જાણે વન-સાઇડ ટ્રાફિક જેવી બનાવી દીધી હતી. પૅટ કમિન્સની આ ટીમે છ વિકેટે આસાનીથી વિજય મેળવીને ગાડી પાછી પાટા પર લાવીને ટોચની ટીમો (કોલકાતા, રાજસ્થાન)ને ચેતવી દીધી હતી. હૈદરાબાદ ટૉપ-ફાઇવમાં છે અને એણે થોડા દિવસ પહેલાં મુંબઈ સામે આઇપીએલના હાઈએસ્ટ ટીમ-સ્કોર (277/3) સાથે હલચલ મચાવી દીધા પછી હવે ચેન્નઈ સામેની મૅચથી બોલિંગમાં પણ ક્ષમતા બતાવી દીધી છે.
ચેન્નઈએ આપેલો 166 રનનો લક્ષ્યાંક હૈદરાબાદે 18.1 ઓવરમાં માત્ર ચાર વિકેટના ભોગે મેળવી લીધો હતો. એમાં એઇડન માર્કરમ (50 રન, 36 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરીએ વિજય સરળ બનાવી દીધો હતો. એક જીવતદાન મેળવનાર ટ્રેવિસ હેડ (31 રન, 24 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને આક્રમક મૂડમાં રમેલા સાથી ઓપનર અભિષેક શર્મા (37 રન, 12 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) વચ્ચે 46 રનની જે ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી એમાં 37 રન અભિષેકના હતા.
શાહબાઝ અહમદ 18 રન બનાવીને આઉટ થયો હતો, પણ હિન્રિચ ક્લાસેન (11 બૉલમાં 10 અણનમ) એકેય સિક્સર વિના અણનમ રહ્યો એ જોઈને તેના અનેક ચાહકોને આશ્ર્ચર્ય થયું હશે. કારણ એ છે કે પહેલી ત્રણ મૅચમાં તેણે કુલ 17 સિક્સર ફટકારી હતી. તેની સાથે અણનમ રહેલા નીતિશ કુમાર રેડ્ડી (આઠ બૉલમાં 14 અણનમ)એ સિક્સર સાથે હૈદરાબાદને વિજય અપાવ્યો હતો.
ચેન્નઈના મોઇન અલીએ બે વિકેટ તેમ જ થીકશાના અને દીપક ચાહરે એક-એક વિકેટ લીધી હતી.
કુલ સાત બાઉન્ડરીઝની મદદથી 37 રન બનાવીને હૈદરાબાદની ગાડીને વિજયીપથ પર મૂકી દેનાર અભિષેકને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. એ પહેલાં, ચેન્નઈ સુપર કિંગ્સે બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે 165 રન બનાવ્યા હતા. આ જ હાઈ-સ્કોરિંગ મેદાન પર થોડા દિવસ પહેલાં મુંબઈ સામે 277/3નો સર્વોચ્ચ ટીમ-સ્કોરનો રેકૉર્ડ કરનાર હૈદરાબાદની ટીમના બોલર્સે ચેન્નઈના બૅટર્સને કાબૂમાં રાખ્યા હતા. છેલ્લી પાંચ ઓવરમાં ફક્ત 37 રન બની શક્યા હતા. ચેન્નઈના 165 રનમાં શિવમ દુબે (45 રન, 24 બૉલ, ચાર સિક્સર, બે ફોર), અજિંક્ય રહાણે (35 રન, 30 બૉલ, એક સિક્સર, બે ફોર), રવીન્દ્ર જાડેજા (31 અણનમ, 23 બૉલ, ચાર ફોર) અને ઋતુરાજ ગાયકવાડ (26 રન, 21 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ના મુખ્ય યોગદાનો હતા. જાડેજાની સાથે અણનમ રહેલા ભૂતપૂર્વ કૅપ્ટન ધોનીને માત્ર બે બૉલ રમવા મળ્યા હતા.
હૈદરાબાદના ભુવનેશ્ર્વર કુમારને આ સીઝનમાં ભુવીએ રાચિન રવીન્દ્ર (12)ને માર્કરમના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ભુવીને પહેલી ત્રણેય મૅચમાં વિકેટ નહોતી મળી. ભુવી સહિત હૈદરાબાદના પાંચ બોલરને એક-એક વિકેટ મળી હતી. એમાં કૅપ્ટન અને હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદેલા કમિન્સનો સમાવેશ હતો. જયદેવ ઉનડકટ, શાહબાઝ અહમદ અને ટી. નટરાજનને પણ એક વિકેટ મળી હતી. હવે ચેન્નઈ સોમવારે ઘરઆંગણે કોલકાતા સામે અને હૈદરાબાદ મંગળવારે મુલ્લાનપુરમાં પંજાબ સામે રમશે.