મુંબઇ: ભારતીય શેરબજારમાં(Stock Market)આજે પણ શાનદાર તેજીના સંકેતો જોવા મળ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીએ આજે નવા રેકોર્ડ હાઈ સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. જેમાં સવારે સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટના વધારા સાથે 84,843.72 પોઈન્ટ પર ખુલ્યો, જે અગાઉના રેકોર્ડ હાઈ લેવલથી ઉપર છે. નિફ્ટીએ પણ 80 પોઈન્ટથી વધુના વધારા સાથે 25,872.55 પોઈન્ટની નવી ટોચે શરૂઆત કરી હતી.
બજારમાં તેજી ચાલુ રહેવાની ધારણા છે
સ્થાનિક બજારમાં આજે કારોબાર શરૂ થાય તે પૂર્વે જ તેજી ચાલુ રહેવાના સંકેતો મળ્યા હતા. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ લગભગ 110 પોઈન્ટના વધારા સાથે 84,650 પોઈન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી લગભગ 80 પોઈન્ટના વધારા સાથે 25,870 પોઈન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. સવારે ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ લગભગ 100 પોઈન્ટના પ્રીમિયમ સાથે 25,890 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
શુક્રવારે બજારમાં નવા રેકોર્ડ બનાવ્યા
આ પૂર્વે ગત સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સ્થાનિક બજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી અને બજાર નવા રેકોર્ડ સ્તર સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. શુક્રવારના ટ્રેડિંગમાં સેન્સેક્સ 1,359.51 પોઈન્ટ ના વધારા સાથે 84,544.31 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગના અંતે નિફ્ટી 50 375.15 પોઈન્ટ ના વધારા સાથે 25,790.95 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.