શેરબજારમાં નાના શેરોમાં મોટી તેજી: સ્મોલકેપ ઓલ ટાઈમ હાઈ સપાટીએ

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં વિવિધ પરિબળો વચ્ચે મુખ્ય બેન્ચ માર્ક રોજ નવા શિખર સર કરી રહ્યા છે ત્યારે નાના શેરોમાં પણ મોટી તેજી જોવા મળી રહી છે.
નિષ્ણાતો ઊંચા વેલ્યુએશનની ચિંતા વ્યક્ત કરી રહ્યા હોવ છતાં રોકાણકારો આ વર્ગના શેરમાં સતત લેવાલી કરી રહ્યા છે. આ સત્રમાં મીડ કેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા છે.
નિફ્ટી 50 મંગળવારના સત્ર પણ નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો હતો, પરંતુ પાછળથી પ્રોફિટ બુકિંગ ને કારણે આ બેન્ચ માર્કે અમુક સુધારો ગુમાવ્યો હતો.
આ તરફ મજબૂત ત્રિમાસિક કોર્પોરેટ કમાણીના અહેવાલોને પગલે વ્યક્તિગત શેરના ભાવમાં નોંધપાત્ર વધારાને કારણે સ્મોલ અને મિડ-કેપ શેરો પણ સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયા હતા.
આજે બજાજ ઓટો, લાર્સન એન્ડ ટુબ્રો ફાઇનાન્સ અને જસ્ટ ડાયલ સહિતની કંપનીઓ પોતાના નાણાકીય પરિણામની જાહેરાત કરશે.
દરમિયાન બજારના સાધનો અનુસાર બજેટના ભાગરૂપે આગામી થોડા દિવસોમાં બજાર બજેટ દરખાસ્તોની અપેક્ષા અને અટકળોને આધારે પ્રતિસાદ આપે તેવી શક્યતા છે.
બજેટની અપેક્ષાઓ અનુમાનિત હોવા છતાં, આ બજેટ વૃદ્ધિલક્ષી અને તે જ સમયે રાજકોષીય શિસ્ત ધરાવતું હશે એવું માનવામાં આવે છે. વિકાસ કાર્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે જેની સાથે સરકાર સમાધાન કરી શકતી નથી અને કરશે પણ નહીં. કરવેરાની વસુલીમાં ઉછાળો અને આરબીઆઈ ડિવિડન્ડ લહાણી નાણા પ્રધાનને નાણાકીય કોન્સોલિડેશન માટે પૂરતો અવકાશ આપે છે. તેથી, બજાર આ આધાર પર આશાવાદી રહેશે.