ટોપ ન્યૂઝવેપારશેર બજાર

શેરબજારને જન્માષ્ટમી ફળી: નિફ્ટી ફરી ૨૫,૦૦૦ની ઉપર

નિલેશ વાઘેલા
મુંબઇ:
શેરબજાર માટે સપ્તાહનું પ્રથમ સત્ર શુકનવંતુ નિવડ્યું છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં રેટકટની જાહેરાત કરશે એવી આશા વચ્ચે ધારણાં અનુસાર જ નિફ્ટી ૨૫,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરવામાં સફળ રહ્યો છે.

સત્રને અંતે સેન્સેક્સ ૬૧૧.૯૦ પોઈન્ટ અથવા ૦.૭૫ ટકા વધીને ૮૧,૬૯૮.૧૧ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૮૭.૪૦ પોઈન્ટ અથવા ૦.૭૫ ટકા વધીને ૨૫,૦૧૦.૬૦ પોઇન્ટના સ્તર પર સ્થિર થયો હતો.

ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલના બદલાયેલા સ્ટાન્સ સાથે રેટકટની આશા વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી વધવાની પ્રબળ સંભાવના અને એચડીએફસી બેન્ક તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં લેવાલી નીકળવાને કારણે પણ સેન્ટિમેન્ટને ટેકો મળ્યો હતો.

આ પણ વાંચો: શેરબજારની તેજીને રિલાયન્સ ઇંધણ આપશે?

બીએસઇ પર ટ્રેડેડ કુલ શેરોમાંથી લગભગ ૨૦૭૫ શેર ઊંચી સપાટીએ પહોચ્યા હતા, ૧૭૯૧ શેર ગબડ્યા હતા અને ૧૩૮ શેર મૂળ સપાટીએ પાછાં ફર્યા હતા. લાર્જકેપ શેરોની કામગીરી સ્મોલ અને મિડકેપ શેરો કરતા આ સત્રમાં સારી રહી હતી.

નિફ્ટીના ટોપ ગેઇનર્સ શેરોમાં હિન્દાલ્કો, એનટીપીસી, એચસીએલ ટેક્નોલોજીસ, બજાજ ફિનસર્વ અને ઓએનજીસીનો સમાવેશ હતો, જ્યારે ટોપ લૂઝર્સમાં અપોલો હોસ્પિટલ્સ, હીરો મોટોકોર્પ, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ અને મારૂતિ સુઝુકીનો સમાવેશ હતો.

પીએસયુ બેંક સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ ઇન્ફર્મેશન ટેક્નોલોજી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી એકથી બે ટકાના સુધારા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. મિડકેપ ઈન્ડેક્સ ૦.૬ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨ ટકા વધ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button