
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યાને આજે પાંચ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. કલમ 370 હટાવ્યાના પાંચ બાદ જમ્મુ કાશ્મીરને એજ દિવસે એટલે કે 5 ઓગસ્ટના પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જ્યારે તેના પર સ્પષ્ટ આપતા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે 5 ઓગસ્ટ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરમાં કોઈ મોટી ઘટના નહીં બને, ન તો સકારાત્મક કે ન તો નકારાત્મક.
ઓમર અબ્દુલ્લાનું નિવેદન
ઓમર અબ્દુલ્લાએ એક્સ પર લખ્યું, “હું સ્પષ્ટ કહું છું કે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં કંઈ નહીં થાય. ન તો કંઈ ખરાબ થશે, પરંતુ દુર્ભાગ્યે કંઈ સકારાત્મક પણ નહીં થાય.” તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ હજુ પણ સંસદના ચાલુ ચોમાસુ સત્રમાં જમ્મુ-કાશ્મીર માટે કંઈક સકારાત્મક થવાની આશા રાખે છે, પરંતુ આજે નહીં. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે દિલ્હીમાં કોઈ નેતાઓ સાથે મુલાકાત કે ચર્ચા કરી નથી, અને આ તેમની અંતરની લાગણી છે.
જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવાની અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક જ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠકો કરી. આ બેઠકો વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર ન થઈ. આ ગુપ્ત બેઠકોએ રાજકીય અટકળોને વેગ આપ્યો. આ ઉપરાંત, અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ભાજપ નેતા સત શર્મા અને લદ્દાખના ઉપરાજ્યપાલ કવિન્દર ગુપ્તા સાથે પણ બેઠકો કરી હતી, જેનાથી આ ચર્ચાઓને વધુ હવા મળી.
આર્ટિકલ 370 અને 2019નો નિર્ણય
5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે સંસદમાં બહુમતીથી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતો આર્ટિકલ 370 રદ કર્યો હતો. આ નિર્ણય બાદ રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નામના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક નિર્ણયને છ વર્ષ પૂર્ણ થયા છે, અને હવે રાજ્યનો દરજ્જો પાછો આપવાની માંગ ફરી ઉઠી રહી છે. આ અટકળો વચ્ચે ઓમર અબ્દુલ્લાનું નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ, 2025ના રોજ એનડીએ સાંસદોની એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકને જમ્મુ-કાશ્મીરના રાજ્ય દરજ્જા અંગેની ચર્ચાઓ સાથે જોડવામાં આવી રહી છે. આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવાશે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે. ઓમર અબ્દુલ્લાનું નિવેદન અને આ બેઠકો દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરના રાજકીય ભવિષ્ય અંગે હજુ ઘણી અનિશ્ચિતતા છે, પરંતુ આશા અને અટકળો યથાવત છે.
આ પણ વાંચો…મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દિવાલ કૂદીને ફાતિહા વાંચી; કહ્યું અમે ગુલામ નથી…