નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી(Sonia Gandhi) રાજ્યસભા ચૂંટણી(Rajysabha Election) માટે રાજસ્થાનથી પક્ષના ઉમેદવાર હશે, તેઓ આજે ઉમેદવારી પત્ર ભરશે. સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધી બુધવારે જયપુરમાં ઉમેદવારી પત્ર ભરશે. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહી શકે છે. કોંગ્રેસ રાજ્યસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જ જાહેર કરશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.
નોંધનીય છે કે સોનિયા ગાંધી 1999થી સતત લોકસભાના સભ્ય રહ્યા છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાયબરેલી લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ અમેઠીથી લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ પહેલીવાર હશે જ્યારે તે સંસદના ઉપરના ગૃહમાં હજારી નોંધાવશે.
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પછી રાજ્યસભામાં પ્રવેશ કરનાર ગાંધી પરિવારના તેઓ બીજા સભ્ય હશે. ઈન્દિરા ગાંધી ઓગસ્ટ 1964 થી ફેબ્રુઆરી 1967 સુધી ઉપલા ગૃહના સભ્ય રહ્યા હતા.
રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના તમના નિર્ણય બાદ એ સ્પષ્ટ છે કે સોનિયા ગાંધી આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે. પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી માટે ઔપચારિક રીતે કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી.
રાજ્યસભાની ચૂંટણી માટે 8મી ફેબ્રુઆરીથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 16 ફેબ્રુઆરીએ થશે, જ્યારે ઉમેદવારો 20 ફેબ્રુઆરી સુધી તેમના નામ પાછા ખેંચી શકશે.
જરૂર પડશે તો 27 ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.