આમચી મુંબઈટોપ ન્યૂઝ

સોનાની દાણચોરીની સિન્ડિકેટ: દાદરના ગુજરાતીની ધરપકડ

ડીઆરઆઈના અધિકારીઓને જોઈ બેડરૂમમાં સંતાયેલા વેપારીએ મોબાઈલ બારીની બહાર ફેંક્યો

યોગેશ સી. પટેલ
મુંબઈ:
વિદેશથી દાણચોરીથી લવાયેલું સોનું ખરીદવાના આરોપસર ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટલિજન્સે (ડીઆરઆઈ) દાણચોરીની સિન્ડિકેટ સાથે કથિત રીતે સંકળાયેલા દાદરના વેપારીની ધરપકડ કરી હતી.

ડીઆરઆઈની ટીમ વેપારીના ઘરે પહોંચી ત્યારે તપાસથી બચવા વેપારી બેડરૂમમાં સંતાઈ ગયો હતો અને ડિજિટલ પુરાવાનો નાશ કરવાને ઇરાદે મોબાઈલ ફોન બારીની બહાર ફેંકી દીધો હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.

ડીઆરઆઈએ શુક્રવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ દાદરના જી. ડી. આંબેડકર માર્ગ ખાતે રહેતા એન. વી. ઠક્કર (24) તરીકે થઈ હતી.

આપણ વાંચો: દાણચોરીના સોનાને ઓગાળવાના મસ્જિદ બંદરના કારખાના પર રેઇડ

મળેલી માહિતીને આધારે અધિકારીઓએ 11 એપ્રિલે બૅન્ગકોકથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચેલા બી. સી. શેઠને પકડી પાડ્યો હતો. તપાસ કરતાં તેની પાસેથી 6.30 કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. આ સોનાની 14 લગડી તેણે એક બૂટના સોલમાં સંતાડી રાખી હતી.

સોનાની કથિત દાણચોરી પ્રકરણે શેઠની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતાં આ સોનું તે તેના સાથી સી. સંઘવીને આપતો હોવાનું કબૂલ્યું હતું. ડીઆરઆઈએ 12 એપ્રિલે સંઘવીને પણ પકડી પાડ્યો હતો.

આપણ વાંચો: સોના-ચાંદીની દાણચોરીના કેસમાં નાશિકના જ્વેલર્સ સહિત બેની ધરપકડ

પૂછપરછમાં સંઘવીએ જણાવ્યું હતું કે શેઠ પાસેથી લીધેલું સોનું તે ઠક્કરને વેચતો હતો. ડીઆરઆઈના અધિકારીઓ સર્ચ ઑપરેશન હાથ ધરી ઠક્કરના ફ્લૅટમાં પહોંચ્યા હતા. જોકે તપાસ બચવા તે બેડરૂમમાં સંતાઈ ગયો હતો અને પોતાનો મોબાઈલ ફોન પણ બારીમાંથી નીચે ફેંકી દીધો હતો. પોલીસે ઠક્કરના મોબાઈલ ફોનને તપાસ માટે તાબામાં લીધો હતો.

ઠક્કરે કબૂલ્યું હતું કે દાણચોરીથી લવાયેલું સોનું તે સંઘવી પાસેથી ખરીદતો હતો. છેલ્લાં ત્રણ વર્ષથી તે આ રીતે સોનું મેળવતો હતો, એવો દાવો અધિકારીએ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button