દહેરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા પાસે નિર્માણાધીન ટનલમાં કાટમાળ પડતા 41 કામદારો 17 દિવસ ફસાયા હતા, જેમને મહામહેનતે બહાર કાઢવમાં આવ્યા હતા. ત્યારે હવે ટનલના જીઓલોજિકલ રિપોર્ટ પર સવાલો ઉઠી રહ્યા છે. ટનલના નિર્માણ પહેલા કરવામાં આવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અહીં સખત ખડકો છે, પરંતુ જ્યારે બાંધકામ શરૂ થયું ત્યારે જાણવા મળ્યું કે પહાડ માટીનો બનેલો છે.
આ ટનલનું નિર્માણ વર્ષ 2018માં શરૂ થયું હતું. અગાઉ ટનલનો જીઓલોજિકલ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે જ્યાં ટનલ બનાવવામાં આવશે ત્યાં સખત ખડકો છે. ટનલનું નિર્માણ સુરક્ષિત હશે.
નિર્માણકાર્ય સાથે જોડાયેલા એન્જીનીયરે જણાવ્યું હતું કે જીઓલોજિકલ સર્વે રિપોર્ટમાં જે દાવો કરવામાં આવ્યો હતો તેવી પરિસ્થિતિ બાંધકામ દરમિયાન દેખાઈ ન હતી. ટનલ નિર્માણના માર્ગમાં ખડકોને બદલે ઢીલી માટી આવી રહી છે, ઢીલી માટીના કારણે વારંવાર કાટમાળ પડે છે. આ વખતે પડેલો કાટમાળ પણ તેનું એક કારણ કહી શકાય. અત્યાર સુધી ટનલ સુરક્ષિત રીતે બનાવવામાં આવી રહી હતી, આટલો કાટમાળ પાડવાની શક્યતા નહોતી.
જોકે યોજના મુજબ સિલ્ક્યારા ટનલનું નિર્માણ કાર્ય જુલાઈ 2022માં પૂર્ણ થવાનું હતું, પરંતુ તેમાં વિલંબ થઈ રહ્યો છે. હવે અકસ્માત અને બચાવ કામગીરીમાં લાંબો સમય લાગ્યા બાદ ટનલ બનાવવાની રાહ વધુ વધી ગઈ છે. જોકે, કંપનીના અધિકારીઓને વિશ્વાસ છે કે તેનું બાંધકામ સમયસર પૂર્ણ થશે.