
સિક્કિમમાં ગ્લેશિયલ સરોવર લોનાક ત્સો ફાટ્યા બાદ આવેલા વિનાશક પૂરમાં લગભગ સો લોકોના મોત થયા છે. ઘણા લોકો હજુ પણ ગુમ છે. દરમિયાન, ડેમ પર સ્થાપવામાં આવેલા હવામાન મથકો અંગે ચોંકાવનારી માહિતી મળી છે કે નવા જ મુકાલાયેલા ઉપકરણોએ સિગ્નલ મોકલવાનું બંધ કરી દીધું હતું. ગ્લેશિયલ સરોવર પર સૌર-સંચાલિત ટ્વીન-કેમેરા અને હવામાન રિપોર્ટિંગ સ્ટેશન સ્થાપિત કરાયાના માત્ર ત્રણ દિવસ બાદ સિગ્નલ આપવાનું બંધ કરી દીધું હતું.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિક્કિમમાં 15,000-16,000 ફૂટની ઊંચાઈએ સ્થિત બે ઉચ્ચ જોખમી ગ્લેશિયલ સરોવર, દક્ષિણ લોનાક સરોવર અને શાકો ચો સરોવર પર 16 સપ્ટેમ્બર, 2023ના રોજ ટ્વીન કેમેરા, ઓટોમેટેડ વેધર સ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. 3 ઓક્ટોબરના રોજ મૂશળધાર વરસાદ બાદ લોનાક ગ્લેશિયલ સરોવર ફાટવાને કારણે ઉત્તર સિક્કિમમાં અચાનક પૂર આવ્યું.
એનડીએમએ અનુસાર, આ સિસ્ટમ સામાન્ય રીતે દરરોજ ફોટોગ્રાફ્સનો એક સેટ અને હવામાન અંગે 250થી વધુ માહિતી મોકલે છે. જો કે, 19 સપ્ટેમ્બર પછી સાઉથ લોનાક સરોવર પરના ઉપકરણોએ માહિતી મોકલવાનું બંધ કરી દીધું. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસની ટુકડીને 28 સપ્ટેમ્બરના રોજ સાધનો તેની જગ્યાએ હોવાનું જણાવ્યું હતું પણ તેઓ તેને ઠીક કરી શક્યા ન હતા. શાકો ચો પર ઇન્સ્ટોલ કરાયેલા ઉપકરણો હજી પણ ફોટોગ્રાફ્સ અને સિગ્નલ મોકલી રહ્યું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દૂરસ્થ સ્થાન, કઠોર આબોહવા, ભૂપ્રદેશ અને ટોપોગ્રાફી અને માનવરહિત સિસ્ટમની સ્થાપનાને ધ્યાનમાં રાખીને સ્ટેશનોની સલામતી અને કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરવા માટે વધુ તૈયારીની જરૂર હતી.