
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજાર હજુ હોલીડે મૂડમાં હોય એવું લાગે છે. નવા વર્ષનો પહેલો દિવસ માંડ સાચવ્યા બાદ બીજા દિવસે ફરી બેન્ચ માર્કે ઝડપી ધબડકો નોંધાવ્યો છે.
સેન્સેકસ ૭૨૦૦૦ની સપાટી તોડી ૭૧,૬૧૩ની નીચી સપાટીને અથડાયો છે, જ્યારે નિફ્ટી ૨૧,૬૦૦ની સપાટી તોડી ૨૧,૫૫૫ બોલાયો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ઉપરોક્ત બંને સ્તર અફડાતફડી વરચે બદલાઈ રહ્યા છે.
ભારતીય ઇક્વિટી બજારો એશિયાના બજારોના નકારાત્મક સંકેતોને ટ્રેક કરતા બેન્કિંગ અને આઇટી શેરોની આગેવાની શરૂ થયેલી વેચવાલીને કારણે સતત બીજા દિવસે ખુલતા સત્રમાં રેડ ઝોનમાં ધકેલાયા છે.
બજારમાં હજુ પણ અનેક પોઝિટિવ પરિબળો મોજૂદ છે. ડોલર અને યુએસ બોન્ડની ઉપજમાં થઈ રહેલો ઘટાડો, ભારતીય ઇક્વિટી માર્કેટ માટે સાનુકૂળ વૈશ્વિક સંદર્ભ પૂરો પાડે છે.
એ જ રીતે 2024માં FIIનો રોકાણ પ્રવાહ વધુ વિશાળ રહેવાની સંભાવના છે અને ખાસ કરીને બેંકિંગ જેવા સેગમેન્ટમાં જ્યાં મૂલ્યાંકન વાજબી હોય છે, એવા ઉચ્ચ ગુણવત્તાવાળા લાર્જ-કેપ શેરોમાં લેવાલી જળવાઈ રહેવાની અપેક્ષા છે. .
જોકે અગ્રણી માર્કેટ વિશ્લેષક ચેતવે છે કે, એક મહત્ત્વપૂર્ણ બાબતમાં વોલેટિલિટી ઇન્ડેક્સ VIX માં 14.5 સુધીનો વધારો ધ્યાનમાં લેવો જોઈએ.
આ સુધારો સૂચવે છે કે બજારમાં અત્યારે ખૂણે ખૂણે ખૂબ જ જબરી ઉથલપાથલ અને અફડાતફડીની સંભાવના છુપાયેલી છે. ગઈકાલે છેલ્લી 30 મિનિટમાં થયેલ વેચવાલી એ ચેતવણી છે કે ઉચ્ચ સ્તરે મોટા વેચાણની સંભાવના છે.