શેરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ પહેલી વખત ૮૦,૫૦૦ની ઐતિહાસિક ઊંચી સપાટીએ

નિલેશ વાઘેલા
મુંબઇ: ઈન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોની આગેવાની હેઠળ ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંકોએ નવી ઐતિહાસિક ઊંચી સપાટી હાંસલ કરી છે. સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી જ વખત ૮૦,૫૦૦ પોઇન્ટની અને નિફ્ટીએ ૨૪,૫૦૦ની સપાટી વટાવી છે.
સત્રને અંતે સેન્સેક્સ ૬૨૨ પોઇન્ટ અથવા ૦.૭૮ ટકા વધીને ૮૦,૫૧૯.૩૪ પોઇન્ટવની ઓલટાઇમ હાઇ સપાટી પર અને નિફ્ટી ૧૮૬.૨૦ પોઇન્ટ અથવા ૦.૭૭ ટકા વધીને ૨૪,૫૦૨.૨૦ પોઇન્ટની વિક્રમી સપાટીએ સ્થિર થયો હતો.
આઇટી સેગમેન્ટની ટોચની કંપની ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ની આગેવાનીએ આઇટી શેરોમાં આવેલા ઉછાળા સાથે બંને બેન્ચમાર્કે નવી વિક્રમી ઊંચી સપાટી હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. સેન્સેક્સ સત્ર દરમિયાન લગભગ ૧૦૦૦ પોઇન્ચ જેવી ઊંચી સપાટીએ ઊછળ્યો હતો.
ટીસીએસે જૂન ક્વાર્ટર માટે બજારની અપેક્ષા કરતા સારા નાણાકીય પરિણામ જાહેર કર્યા હોવા ઉપરાંત સારું ગાઇડન્સ જાહેર કર્યું હોવાને પગલે આઇટી શેરોમાં લેવાલીનો સળવળાટ વધ્યો હતો. રિઅલ્ટી શેરોમાં જોકે વેચવાલીનું દબાણ અને ધોવામ પણ જોવા મળ્યું હતું. વ્યાપક બજારમાં પણ વેચવાલી હતી.
માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે હાલ મંદી માટે કોઇ ટ્રીગર નથી, બજાર એકંદરે વૈશ્ર્વિક અને સ્થાનિક પોઝિટિવ સંકેતોને અનુકૂળ પ્રતિક્રિયા આપી શકે છે. અમેરિકામાં ફુગાવામાં જૂનમાં ૦.૧ ટકા જેટલો ઘટાડો થયો હોવાથી સપ્ટેમ્બરમાં ફેડરલ દ્વારા વ્યાજ દરમાં કાપની આશાને ફરી હવા મળી છે.