કાર્યવાહી દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતીનો નહિ થાય ઉપયોગ, SCએ ફગાવી અરજી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુજરાતની અદાલતોમાં વધારાની અધિકૃત ભાષા તરીકે ગુજરાતીના ઉપયોગને મંજૂરી આપવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની સંયુક્ત બેન્ચે ઓગસ્ટ 2023ના આદેશને સમર્થન આપ્યું હતું.
રોહિત જયંતિલાલ પટેલ નામના અરજદાર દ્વારા પહેલા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી રજૂઆત કરવામાં આવી હતી કે ભારતીય બંધારણની કલમ-348(2) હેઠળ કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષા પણ અધિકૃત રીતે અમલી બને. અરજદારે રાજ્ય સરકાર સામે તત્કાલીન રાજ્યપાલના વર્ષ 2012ના નિર્ણયને અમલમાં મૂકવા માટે જરૂરી નિર્દેશની માગ કરી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે અરજીને ‘ગેરસમજ’ ગણાવીને ફગાવી દીધી હતી.
આ પછી અરજદાર સુપ્રિમ કોર્ટમાં ગયા હતા જ્યાં જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે ગુજરાત હાઈકોર્ટના ઓગસ્ટ 2023ના આદેશને યથાવત રાખ્યો હતો અને કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા ઈચ્છતો નથી.