ટોપ ન્યૂઝ

વિવાદ વકરતા સામ પિત્રોડાએ આપ્યું રાજીનામું, તરત જ સ્વીકારાઇ પણ ગયું!

નવી દિલ્હી: ભારતના વિવિધ ભાગોના લોકો માટે અપમાનજનક વંશીય ટીપ્પણી કર્યા બાદ આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા ઉપર ભાજપ સહિત તમામ ભારતીયોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેમની ખૂબ ટીકા કરવામાં આવી હતી, જેને પગલે પરિસ્થિતિને જોતા સામ પિત્રોડાએ આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું.

શ્ર્ચર્યની વાત તો એ છે કે વર્ષો સુધી કૉંગ્રેસના વફાદાર રહેલા સામ પિત્રોડાનું રાજીનામું તરત જ સ્વીકારાઇ પણ ગયું હતું.
સામ પિત્રોડાએ રાજીનામું આપ્યું હોવાની તેમ જ રાજીનામું સ્વીકારાઇ ગયું હોવાની માહિતી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આપી હતી. તેમણે કહ્યું હતું કે સામ પિત્રોડાએ આપેલું રાજીનામું કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્વીકારી લીધું છે.

જોકે રાજકીય વિશ્ર્લેશકોનું કહેવું છે કે કૉંગ્રેસે સામ પિત્રોડાનું રાજીનામું લઇને ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે સામ પિત્રોડાએ ભારતના ઉત્તરના લોકો ગોરા દેખાય છે, પશ્ર્ચિમના લોકો આરબ જેવા દેખાય છે, દક્ષિણના લોકો આફ્રિકન દેખાય છે અને ઉત્તર-પૂર્વના લોકો ચીની જેવા દેખાય છે, તેવું નિવેદન આપ્યું હતું. આ નિવેદન વંશીય ભેદભાવ કરતું હોવાનું તેમ જ ભારતના લોકોનું અપમાન કરતું હોવાનું ભાજપ અને અન્ય સાથી પક્ષોએ કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સામ પિત્રોડાના નિવેદનનો ઉલ્લેખ પોતાના ભાષણ દરમિયાન કર્યો હતો અને કૉંગ્રેસના લોકો ભારતીયોનું અપમાન કરતા હોવાનું જણાવ્યું હતું. વડા પ્રધાને સામ પિત્રોડાને રાહુલ ગાંધીના ગાઇડ પણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારતના લોકોની ચામડી ઉપર કરવામાં આવતી અપમાનજનક ટીપ્પણીઓ સહન કરવામાં નહીં આવે.

કોણ છે સામ પિત્રોડા

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રૌડા પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. ઈન્હેરિટેન્સ ટેક્સ મુદ્દે નિવેદન આપવામાં આવ્યા પછી પીએમ મોદીએ તેમની આકરી ટીકા કરી હતી. આજે દેશવાસીઓ માટે કરેલી ગોરા-કાલાની ટિપ્પણી ભારે પડે છે. તો સૌના માટે સવાલ છે કે કોણ છે સામ પિત્રોડા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ હતા. તેમનું પૂરું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે.

યુપીએના કાર્યકાળમાં તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહના કાર્યકાળમાં યુએન માટે વડા પ્રધાનના સલાહકાર પણ રહી ચૂક્યા છે. એક બિઝનેસમેન સાથે અમેરિકામાં અનેક કંપની તેમના હસ્તકે છે. તેઓ રાહુલ ગાંધીના પણ સલાહકાર હોવાનું કહેવાય છે.

સામ પિત્રોડાનો જન્મ ઓડિશાના ટિટલાગઢમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કર્યા પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફિઝિક્સ અને ઈલેક્ટ્રોનિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 1964માં અમેરિકા જઈને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી 1981માં ભારતમાં પાછા આવીને દેશમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે અસાધારણ યોગદાન આપ્યું છે. 2005થી 2009 સુધી ભારતીય જ્ઞાન આયોગના ચેરમને રહી ચૂકેલા પિત્રૌડા રાહુલ ગાંધીના રાજકીય ગુરુ માનવામાં આવે છે. સમયાંતરે ભારતની મુલાકાત સાથે રાહુલ ગાંધીને સલાહ-સૂચન પણ આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button