આમચી મુંબઈટોપ ન્યૂઝ

SaifAliKhanAttack: હુમલા પહેલાં સૈફ અલી ખાન પાસે એક કરોડની માગણી કરી કરાઈ

ફોરેન્સિકની ટીમે ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ લીધા: પૉશ ઈમારતની સુરક્ષાવ્યવસ્થા સામે સવાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
બોલીવૂડને હચમચાવી મૂકતી બાન્દ્રામાં બનેલી ઘટનામાં ફ્લૅટમાં ઘૂસેલા હુમલાખોરે અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરતાં પહેલાં એક કરોડ રૂપિયાની માગણી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. હુમલાખોર સરળતાથી 12મા માળે જઈને પાછો રફુચક્કર થઈ ગયો હોવાથી પૉશ ઈમારતની સુરક્ષાવ્યવસ્થા સામે સવાલ ઊભો થયો હતો. બીજી બાજુ, ફોરેન્સિકની ટીમે ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ બાન્દ્રા પશ્ચિમમાં આવેલી સતગુરુ શરણના 11થી 14 માળ સૈફ અલી ખાનના છે અને ઘટના ગુરુવારના મળસકે અઢી વાગ્યાની આસપાસ 12મા માળે બની હતી. આ પ્રકરણે સૈફની નોકરાણીની ફરિયાદને આધારે બાન્દ્રા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 311, 312, 331(4), 331(6) અને 331(7) હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: અભિનેતા સૈફ અલી ખાન પર થયો ચાકુથી હુમલો, હૉસ્પિટલમાં ભરતી

સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી બાજુની ઈમારતની દીવાલ કુદાવીને સતગુરુ શરણના કોમ્પ્લેક્સમાં પ્રવેશ્યો હતો. ડકના એરિયામાંથી તે ઉપલા માળે ગયો હતો અને ત્યાંથી દાદર ચઢીને 12મા માળે પહોંચ્યો હતો. સૈફના પુત્રની રૂમમાંથી બહાર આવેલા આરોપી પર નોકરાણીની નજર પડી હતી. નોકરાણીએ બૂમાબૂમ કરતાં આરોપીએ તેના હાથ પર છરીનો ઘા ઝીંક્યો હતો.

અવાજ સાંભળી દોડી આવેલા સૈફ અલી ખાને બહાદુરીથી આરોપીનો સામનો કર્યો હતો. જોકે આરોપીએ ઉપરાછાપરી છ ઘા ઝીંકતાં સૈફ ગંભીર રીતે ઘવાયો હતો. આ ધમાચકડીમાં તક ઝડપી આરોપી ફરાર થઈ ગયો હતો.

નોકરાણીએ પોલીસને આપેલા પ્રાથમિક નિવેદનમાં જણાવ્યું હતું કે સૈફ મદદ માટે દોડી આવ્યો ત્યારે આરોપીએ છરીની ધાક બતાવી ધમકી આપી હતી. એક કરોડ રૂપિયા ન આપે તો સૈફને મારી નાખવાની ધમકી તેણે ઉચ્ચારી હતી. પોતાને નાણાંની સખત જરૂર હોવાનો દાવો પણ તેણે કર્યો હતો.

આ પણ વાંચો: તો શું સૈફ અલી ખાનના ઘરમાં જ છુપાયો હતો ચોર!

દરમિયાન સૈફ અલી ખાનને સારવાર માટે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. બનાવની જાણ થતાં બાન્દ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ડૉગ સ્ક્વોડ અને ફોરેન્સિક લૅબોરેટરીની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ફોરેન્સિકની ટીમે ડકના પરિસરમાં તપાસ કરી હતી. સૈફના ફ્લૅટમાંથી અમુક ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

આરોપીની શોધ માટે ક્રાઈમ બ્રાન્ચ અને ઝોનનાં દરેક પોલીસ સ્ટેશન ચુનંદા અધિકારીઓની 10 અલગ અલગ ટીમ બનાવવામાં આવી હોવાનું ડેપ્યુટી પોલીસ કમિશનર દીક્ષિત ગેદામે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button