રૂપાલાએ રાજકોટને કરવા પડશે રામ રામ? ક્ષત્રિયોનો સમાધાન માટે સાફ ઈનકાર
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ચોતરફ રોષનો માહોલ છે. રૂપાલાએ બે વખત જાહેરમાં માફી તેમ છતાં પણ રાજપૂત સમાજ નમતુ જોખવા તૈયાર નથી. સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો દ્વારા ધરણા પ્રદર્શનો કરી રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે કોઈ સમાધાન સધાય તે માટે આજે રાજપૂત સમાજની મુખ્ય કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, આજે અમે કોર કમિટી સાથે બેઠક કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાએ 30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. અમે બાબતો કોર કમિટી સમક્ષ રજૂ કરી છે. બધાએ રજૂઆત કરી છે. બધાની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે તેમ કહ્યું છે.
આ પણ વાંચો : કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના રૂપાલા પર ફરી વાકબાણ, ક્ષત્રિયાણીઓને ઉદ્દેશીને લખેલી કવિતા વાયરલ
આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે. તે અમને મંજૂર નથી એમ કોર કમિટીએ કહ્યું છે, અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે. અમે પાર્ટીમાં અહીંયા બેઠકમાં જે વાત થઈ તે રજૂ કરીશું. આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે.
રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ ક્ષત્રિય આગેવાનો અમને મળવા માટે આવ્યા હતા. સમાજના આગેવાનોને કહ્યું હતું કે, સરકાર અને ભાજપ તરફથી વાત કરવા માગે છે. આજે બેઠક મળી હતી. તમામ રાજપૂત સંગઠનો વતી રજૂઆત કરી હતી. અમે ભાજપની વાત સાંભળી હતી. અમે એક જ રજૂઆત કરી હતી કે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાજકોટની ઉમેદવારી રદ કરવામાં આવે. જ્યાં સુધી ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો વિરોધ રહેશે.
આ પણ વાંચો : રૂપાલાના વિરોધમાં ભાવનગરમાં યોજાયું ક્ષત્રિય સંમેલન, પરિણામ ભોગવવાની ભાજપને ચીમકી
ભાજપના અગ્રણી ક્ષત્રિય નેતાઓએ રાજપૂત સમાજના મુખ્ય કોર કમિટીના સભ્યો સાથે બેઠક યોજી હતી. ભાજપમાં જે ક્ષત્રિય આગેવાનો છે, તેમાં પ્રદિપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભા જાડેજા, બળવંતસિંહ રાજપુત, જયદ્રથસિંહ પરમાર, વીરભદ્રસિંહ જાડેજા, આઈ. કે. જાડેજા હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજ તરફથી કોર કમિટીમાં કરણસિંહ ચાવડા, તૃપ્તિબા રાઓલ,પદ્મિનીબા વાળા , વિજયસિંહ, અશ્વિનસિંહ સરવૈયા, સુખદેવસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.