નવી દિલ્હી: કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુખ્ય તપાસ એજન્સી સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એસઆઈએ) દ્વારા બુધવાર અને શુક્રવારની વચ્ચે ટેરર ફંડિંગ રેકેટની તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ કથિત 85 કરોડ રૂપિયાના ટેરર ફંડિંગ રેકેટમાં સંડોવાયેલા શંકાસ્પદોમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને શ્રીનગરના એક અગ્રણી ઉદ્યોગપતિ પણ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલો તાજેતરમાં દેશમાં સામે આવેલો સૌથી મોટો ટેરર ફંડિંગ કેસ હોઈ શકે છે.
તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, આ ટેરર ફંડિંગ કેસમાં 85 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું અને ગુપ્ત ચેનલો દ્વારા લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. એવી શંકા છે કે આ નાણાંનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને અલગાવવાદને પોષવા માટે કરવામાં આવ્યો હતો.
જમ્મુ અને કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સી એસઆઈએએ શુક્રવારે આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવાના કેસમાં ત્રણ જિલ્લામાં દરોડા પાડ્યા હતા. એસઆઈએએ જણાવ્યું કે ખીણના શ્રીનગર, અનંતનાગ અને પુલવામા જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સીની વિશેષ ટીમે ત્રણ જિલ્લામાં 10 સ્થળોએ સર્ચ કર્યું હતું. ટીમે મોબાઈલ, લેપટોપ, સિમ કાર્ડ, પાસપોર્ટ, ચેક, પાસબુક અને ક્રેડિટ/ડેબિટ કાર્ડ સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ કથિત મની-લોન્ડરિંગ નેટવર્ક દુબઈ સાથે જોડાયેલો હોઈ શકે છે. જે સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને એક અગ્રણી ઉદ્યોગપતિના પરિસરનો પણ સમાવેશ થાય છે.