રૂ. ૧૫,૦૦૦ કરોડની છેતરપિંડી: મહાદેવ બેટિંગ ઍપના પ્રમોટર્સ સહિત ૩૨ લોકો સામે ગુનો દાખલ

મુંબઈ: રૂ. ૧૫,૦૦૦ કરોડની અનધિકૃત સટ્ટાબાજી અને છેતરપિંડી પ્રકરણે મુંબઈ પોલીસે મહાદેવ બેટિંગ ઍપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ, શુભમ સોની સહિત ૩૨ લોકો સામે મંગળવારે ગુનો દાખલ કર્યો હતો.
કુર્લા મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્દેશને પગલે માટુંગા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડસંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી), ૧૨૦-બી (કાવતરું), આઇટી એક્ટ (સાયબર ટેરરિઝમ બદલ) અને ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આ પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા અગાઉથી તપાસ કરવામાં આવી રહી છે અને ઍપનો પ્રચાર કરતા બોલીવૂડના કલાકારોને સમન્સ પણ મોકલાયા છે.
પ્રમોટરો ભિલાઇ, છત્તીસગઢના છે અને તેમણે તાજેતરમાં એક નિવેદનમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર બઘેલને રૂ. ૫૦૦ કરોડ આપ્યા હોવાનો આરોપ કર્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ઍપના પ્રમોટરો અને અન્ય આરોપીઓએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાતો આપીને ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, કેસિનો, તીનપત્તી વિગેરે જેવી વિવિધ રમતો પર સટ્ટો લગાવવા માટે લોકોને પ્રોત્સાહન આપ્યું હતું.
જાન્યુઆરી, ૨૦૧૯થી નવેમ્બર, ૨૦૨૩ વચ્ચે મોટા પાયે પૈસા ભેગા કરીને દેશવિદેશમાં હોટેલો, મિલકતો અને અન્ય વેપારોમાં નાણાંનું રોકાણ કરાયું છે.
માટુંગાના રહેવાસી અને સામાજિક કાર્યકર્તા પ્રકાશ બનકરે આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે ૩૨ લોકો સામે ગુનો દાખલ કર્યો હોઇ અમુક આરોપીઓ ગુજરાત, લંડન, દુબઇ, છત્તીસગઢ, પંજાબ, પશ્ર્ચિમ બંગાળના છે.
ઇડીએ ગયા મહિને બોલીવૂડના અમુક કલાકારોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ઍપને પ્રમોટ કરવા આ કલાકારોને કઇ રીતે પેમેન્ટ મળ્યા તે ઇડી જાણવા માગે છે. આ કલાકારોએ હાજરી આપવા સમય માગ્યો છે.