દહેરાદુન: ઉત્તરાખંડના ઉત્તરકાશી પાસે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને મંગળવારે સાંજે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, જે બાદ તેમના પરિવારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. દેશભરમાં બચાવ દળની પ્રશંસા થઇ રહી છે. ઉત્તરાખંડ સરકારે 41 મજૂરો માટે 1 લાખ રૂપિયાની રાહત રકમ આપવાની જાહેરાત કરી છે. સરકારે તમામ 41 કામદારો માટે પેઇડ લીવની પણ જાહેરાત કરી છે, જેથી તેઓ તેમના પરિવાર સાથે સમય વિતાવી શકે.
ટનલની બહાર હાજર રહેલા મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ કામદારોનું ફૂલોના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. હાલ કામદારોને 24 કલાક ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલની સારવારનો સમગ્ર ખર્ચ સરકાર ઉઠાવશે. આ સિવાય સરકાર કામદારો અને તેમના પરિવારો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી રહી છે.
સિલ્ક્યારા ટનલ સાઇટની નજીક બૌખનાગ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે બાબા બોખનાગ અને દેવભૂમિના દેવી-દેવતાઓની કૃપાથી ઓપરેશન સફળ થયું. સિલ્ક્યારામાં બોખનાગ દેવતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે, આ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
પુષ્કર ધામી સરકારે ઉત્તરાખંડમાં નિર્માણાધીન તમામ ટનલની સમીક્ષા કરવા આદેશ આપ્યા છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય. હાલ તમામ કામદારો સુરક્ષિત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટનલમાંથી બહાર આવેલા કામદારો સાથે ફોન પર વાત કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. વડાપ્રધાન સતત બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા હતા. વડાપ્રધાને કામદારોની હિંમતની પ્રશંસા કરી હતી.
કામદારોને બહાર કાઢવા માટે 17 દિવસ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. કામદારોને બહાર કાઢવામાં રેટ માઈનર્સ હીરો તરીકે ઉભરી આવ્યા. ઓગર મશીન સાથે ડ્રિલિંગ નિષ્ફળ થયા પછી, ખોદવાનું શરૂ કરવામાં આવ્યું હતું. મેન્યુઅલ ખોદકામ માટે રેટ માઈનર્સની ટીમને બોલાવવામાં આવી હતી. છેલ્લા 10-12 મીટરના મેન્યુઅલ ખોદકામ પછી, અંદર પાઇપ નાખવામાં આવી હતી, જેથી કામદારો બહાર આવી શકે.