
જયપુર: રાજસ્થાન રોયલ્સે અહીં ગુજરાતને હરાવવાનો સુવર્ણ મોકો ગુમાવ્યો હતો. પહેલી ચારેય મૅચ જીતનાર ૨૦૦૮ના ચેમ્પિયન રાજસ્થાનના ઓલરાઉન્ડ પર્ફોર્મન્સ સામે ૨૦૨૨નું વિજેતા ગુજરાત નબળું પુરવાર થઈ જ રહ્યું હતું ત્યાં રાહુલ તેવટિયા (૨૨ રન, ૧૧ બૉલ, ત્રણ ફોર) અને રાશીદ ખાન (૨૪ અણનમ, ૧૧ બૉલ, ચાર ફોર)ની જોડીએ છેલ્લી ક્ષણોમાં હારની બાજીને જીતમાં ફેરવી હતી. કેપ્ટન શુભમન ગિલ (૭૨ રન, ૪૪ બૉલ, બે સિક્સર, છ ફોર)ની ઇનિંગ્સે ગુજરાતની જીતનો પાયો નાખ્યો હતો. વધુ એક મેચનું છેલ્લા બૉલમાં રિઝલ્ટ આવ્યું.
શ્વાસ અધ્ધર કરી નાખે એવી રસાક્સીમાં લાસ્ટ ઓવરમાં ગુજરાતે જીતવા જરૂરી ૧૫ રન બનાવી લીધા હતા. આવેશ ખાનના છેલ્લા બૉલમાં બે રનની જરૂર હતી અને રાશીદે ફોર ફટકારી દીધી હતી. એ નિર્ણાયક ઓવરમાં કુલ ત્રણ ફોર ગઈ હતી.
પહેલાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સૅમસન (૬૮ અણનમ, ૩૮ બૉલ, બે સિક્સર, સાત ફોર) અને રિયાન પરાગ (૭૬ રન, ૪૮ બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર ) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની ૧૩૦ રનની ભાગીદારી ગુજરાતને નડી હતી અને પછી રાજસ્થાનના બોલર્સ એને ભારે પડ્યા હતા. જોકે છેવટે ગુજરાતે અટ્ટહાસ્ય કર્યું.
રાઈટ-આર્મ ફાસ્ટ બોલર કુલદીપ સેને નવમી ઓવરમાં ૬૪ રનના કુલ સ્કોર વખતે ત્રાટકવાનું શરૂ કર્યું ત્યારથી જ ગુજરાતનો પરાજ્ય સંભવિત લાગતો હતો. તેણે એ ઓવરમાં સાંઈ સુદર્શન (૩૫ રન)ને એલબીડબ્લ્યુ કર્યો ત્યાર પછી વરસાદની લીધે નાનો બ્રેક પડ્યા બાદ પોતાની બીજી ઓવરમાં મેથ્યૂ વેડ (૪) અને અભિનવ મનોહર (૧)ને કલીન બોલ્ડ કરીને ધમાલ મચાવી દીધી હતી. એ તબક્કે રાજસ્થાનના છ બોલરમાં એકમાત્ર કુલદીપ સેન સફળ બોલર હતો.
પહેલી ત્રણેય વિકેટ સેને લીધી ત્યાર બાદ ગિલ અને વિજય શંકરે (૧૦ બૉલમાં ૧૬ રન) ભાગીદારી મજબૂત બનાવવાની હજી માંડ શરૂઆત કરી હતી ત્યાં યુઝવેન્દ્ર ચહલે હલચલ મચાવી દીધી હતી. તેણે પહેલાં વિજય શંકરને અને પછી ક્રીઝમાં બરાબર જામી ગયેલા ગિલને આઉટ કર્યો હતો. કેપ્ટન સૅમસને હરીફ સુકાની ગિલને સ્ટમ્પ-આઉટ કર્યો હતો. એ સાથે ચહલે ગુજરાતના રન મશીનને જાણે બ્રેક લગાવી હતી.
જોકે આક્રમક બૅટર્સ રાહુલ તેવટિયા અને એમ. શાહરુખ ખાન ક્રીઝમાં હતા એટલે ગુજરાતને વિજયની સંભાવના હતી. શાહરુખ ૧૪ રન બનાવીને આવેશ ખાનના બૉલમાં આઉટ થયા બાદ રાશીદ ખાને તેવટિયાને સાથ આપ્યો હતો. ખરેખર તો ૧૬મી ઓવરમાં ૧૩૩ રનના સ્કોર વખતે ગિલની પાંચમી વિકેટ પડી એ પછી ગુજરાતની ટીમ ફરી બેઠી નહોતી થઈ શકી, પરંતુ તેવટિયા અને રાશીદ હીરો સાબિત થયા.