સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની સિડની ખાતેની પાંચમી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી નથી. રોહિત અત્યાર સુધી આ પ્રવાસમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો જેના કારણે તે આ મેચમાંથી બહાર બેઠો છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો હતા કે મેનેજમેન્ટ હવે તેને ટેસ્ટ ટીમમાં ઇચ્છતું નથી અને આ શ્રેણી તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી છે. ‘ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કદાચ આ પ્રથમ વખત કોઈ કેપ્ટન ફોર્મના કારણે આ રીતે ટીમ બહાર થયો છે. હવે આ અંગે રોહિત શર્માનું નિવેદન પણ આવ્યું છે.
રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું હતું કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટમાંથી બહાર બેસવું એ એક નિર્ણય હતો જે તેણે પોતે જ લીધો હતો, તેમ છતાં તેણે નિવૃત્તિની અફવાઓને ફગાવી દીધી હતી. સિડનીમાં પાંચમી ટેસ્ટના બીજા દિવસના લંચ બ્રેક દરમિયાન બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરતા રોહિતે ટીમના ફાયદા માટે મેચ છોડવાના નિર્ણય વિશે વાત કરી હતી.
Rohit Sharma said – "People from the outside who are sitting with laptop, pen & paper don't decide when I retire or not. What decision I need to take. So they don't decide about retirement". pic.twitter.com/5GGFX700uR
— Tanuj Singh (@ImTanujSingh) January 4, 2025
રોહિતે જણાવ્યું હતું કે, “મેં કોચ અને પસંદગીકાર સાથે વાતચીત કરી હતી. સાચી વાત એ છે કે હું ફોર્મમાં નથી. આ એક મહત્વપૂર્ણ મેચ છે અને અમને એમાં ફોર્મમાં રહેલા ખેલાડીની જરૂર છે. વધુ આગળ વિચારવાનું નથી, અત્યારે ટીમને જેની જરૂર છે તે પ્રાથમિકતા છે.” રોહિતે એ પણ ખુલાસો કર્યો હતો કે તેણે મેચ માટે સિડની પહોંચ્યા બાદ જસપ્રીત બુમરાહને ટીમની કમાન સોંપવાનો નિર્ણય લીધો હતો.
અમે સિડની આવ્યા પછી જ મેં આ નિર્ણય લીધો હતો. હું રન બનાવી નથી શકતો ત્યારે મારા માટે મેચમાંથી હટી જવું જ મહત્વપૂર્ણ છે. અમે જ્યારે પર્થ ટેસ્ટ જીતી હતી ત્યારે બીજી ઇનિંગમાં કેએલ રાહુલ અને જયસ્વાલે સારી રમત રમી હતી. અમે 200 રનની નિર્ણાયક ભાગીદારી કરી હતી અને હારી ના શકાય એવી સદ્ધર સ્થિતિમાં આવ્યા હતા.
આ પણ વાંચો…કૅપ્ટનને સિરીઝની અધવચ્ચે ક્યારેય મૅચમાંથી ગુમાવાય જ નહીંઃ સિદ્ધુ…
રોહિત શર્માએ એમ પણ જણાવ્યું હતું કે, ‘બહાર જે લોકો લેપ્ટોપ, પેન, પેપર લઇને બેઠા છે, તેઓએ નક્કી નથી કરવાનું કે હું ક્યારે રિટાયર થઇશ. નિવૃતિ અંગે મારે નિર્ણય લેવાનો છે. તેઓ મારી નિવૃતિનો નિર્ણય કરી શકે નહીં.’
રોહિત શર્માએ પોતાના નિવેદનમાં આગળ કહ્યું હતું કે હું માત્ર ફોર્મમાં ન હોવાને કારણે રમી રહ્યો નથી. જીવન દરરોજ બદલાય છે અને મને વિશ્વાસ છે કે વસ્તુઓ બદલાશે (હું ફોર્મમાં પાછો આવીશ).