ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાની વિવિધ એજન્સીઓની કામગીરી બુધવારે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ હતી. તેથી ઘટનાસ્થળે તબીબોની ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત થઇ ગઇ છે.
બુધવારે મોડી સાંજે બચાવ કામગીરી દરમીયાન ઓગર મશીનના માર્ગમાં કેટલાંક લોખંડના સળિયા આવી જતાં કાંટમાળમાંથી સ્ટીલની પાઇનું ડ્રિલીંગ અવરોધાયું હતું. જોકે અધિકારીઓને આશા છે કે આગામી થોડા કલાકોમાં જ બચાવ કામગીરી પૂરી થઇ જશે.
રેસ્ક્યૂ ટીમના એક સભ્ય ગિરીશ સિંહે રાવતે કહ્યું કે, બચાવ કામગીરી લગભગ અંતિમ તબક્કામાં છે. આશા છે કે એક-બે કલાકમાં પરિણામ આવી જશે. કામદારોને બહાર કાઢવા માટે પાઇપલાઇન નાંખવામાં આવી રહી છે. કાંટમાળમાં ફસાયેલા સ્ટીલના ટૂકડા કાપીને બહાર કાઢવમાં આવ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે એટલે કે ગુરુવારે કોઇ પણ સંજોગોમાં આ ઓપરેશન પૂરું થઇ જશે.
શુક્રવારે બપોરે ઓગર મશીન સખત સપાટી પર અથડાયા પછી ડ્રિલીંગ બંધ કરવામાં આવ્યું હતું. ડ્રિલીંગ બંધ થયું ત્યાં સુધીમાં કાટમાળ 22 મીટર ઉંડાઇ સુધી ઘૂસી ગયો હતો. અને તેની અંદર ચાર થી છ મીટર લાંબી 900 મીમી વ્યાસની પાઇપો નાખવામાં આવી હતી. મંગળવારે મધ્યરાત્રે ફરી ડ્રિલીંગ શરુ થયું હતું.
પાઇપ નાખ્યા પછી કામદારો તેમાંથી બહાર નીકળી શકશે. આ પાઇપ એક મીટરથી થોડી ઓછી પહોળી છે. એકવાર પાઇપ બીજા છેડે પહોંચ્યા બાદ ફસાયેલા કામદારોની બહાર નીકળવાની શક્યતા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ સાંજે ટનલમાં પ્રવેશતી જોવા મળી હતી. સ્પેશીયાલિસ્ટ સહિત 15 ડોક્ટર્સની ટીમને ઘટનાસ્થળ પર તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ઘટના સ્થળે સાવચેતીના ભાગ રુપે 12 એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે.
Taboola Feed