છોટાઉદેપુર બેઠક પર રાઠવા VS રાઠવાનો જંગ, કોણ બનશે વિજેતા ભાજપના જશુભાઈ કે કોંગ્રેસના સુખરામ?
લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે. ગુજરાતમાં પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, કોંગ્રેસે બે સીટોને બાદ કરતા તમામ સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ વખતે ભાજપ માટે મોટી ચિંતાનો વિષય રાજ્યનો આદિવાસી પટ્ટો બન્યો છે. આદિવાસીઓની બહુમતી ધરાવતી સીટો પર ભાજપને પડકાર મળશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમ કે છોટાઉદેપુર લોકસભાની એસ ટી બેઠક પર કોંગ્રેસને ખૂબ આશા છે, છોટા ઉદેપુરબેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને દિગ્ગજ આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ અને આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે, રાઠવા સામે રાઠવાનો આ મુકાબલો રસપ્રદ બન્યો છે.
છોટાઉદેપુર લોકસભા બેઠક 1971 પહેલાં ડભોઈ લોકસભા તરીકે ગણાતી હતી, બાદમાં વર્ષ 1971માં તે અસ્તિત્વમાં આવી હતી. છોટાઉદેપુર લોકસભા બેઠકમાં છોટાઉદેપુર,વડોદરા અને નર્મદા જિલ્લાની વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં છોટાઉદેપુર, વડોદરા અને નર્મદાના ત્રણ જિલ્લા અતર્ગત કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં હાલોલ, છોટા ઉદેપુર (ST), જેતપુર (ST), સંખેડા (ST), ડભોઈ, પાદરા, નાંદોદ (ST) નો સમાવેશ થાય છે. જેમાં હાલ હાલોલ, ડભોઇ, પાદરાએ ઓપન કેટેગરીમાં આવતી વિધાનસભામાં છે. તેમજ છોટાઉદેપુર પાવીજેતપુર, સંખેડા, નાંદોદ આદિજાતી અનામત બેઠકો છે.
આ પણ વાંચો : સાબરકાંઠા સીટનો ભાજપનો આંતરિક ડખો શોભનાબહેન બારૈયાની નૌકાને ડુબાડશે કે સામે કાંઠે ઉતારશે?
છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર રાઠવા ભીલ, વસાવા, તડવી, ડુંગરાભીલ સમાજના આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક ઉપર 60% કરતાં વધુ આદિવાસી મતદારો હોવાથી 19877થી એસટી અનામત બેઠક છે. આ બેઠક પર રાઠવા જ્ઞાાતીના સૌથી વધુ 363059 (37 %) મતદારો છે. તેથી અહીં દરેક પક્ષમાંથી રાઠવા જ્ઞાાતીનો જ ઉમેદવાર ઉતારવામાં આવે છે.
લોકસભા ચૂંટણી 2019માં છોટાઉદેપુર સીટ માટે ભાજપે સીટીંગ સાંસદ રામસિંહ રાઠવાની ટીકીટ કાપી પહેલીવાર મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને તક આપી હતી. ભાજપની આ રણનીતિ સફળ નિવડી હતી. ગીતાબેન રાઠવાએ તેમના હરિફ ઉમેદવાર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 3,77,943 મતોથી હરાવ્યાં હતા. વર્ષ 2019માં યોજાયેલી છોટાઉદેપુર લોકસભા સીટ માટેની ચૂંટણીમા ગીતાબેન રાઠવાને 764445 મતો અને રણજીતસિંહ રાઠવાને 386502 મતો મળ્યા હતા.
આ પણ વાંચો : અમરેલી લોકસભા સીટ પર બે લેઉવા પાટીદાર વચ્ચે રસાકસી, ભાજપના ભરત સુતરીયા અને કોંગ્રેસના જેની ઠુમ્મર મેદાને
કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ રાજ્યસભા સાંસદ નારણ રાઠવા ભાજપમાં સામેલ થઈ જતા અહીં સમીકરણ બદલાયા છે. નારણ રાઠવાની સાથે તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કમલમમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનાં હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. રાઠવા યુપીએની સરકાર સમયે રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. નારણ રાઠવાનું ભાજપમાં જવાથી ચૂંટણી પહેલાં કૉંગ્રેસ માટે મોટો ફટકો માનવામાં આવે છે, કારણ કે નારણ રાઠવા આદિવાસી પટ્ટામાં પ્રભુત્વ ધરાવે છે, હવે તેમના ભાજપમાં જોડાવાથી ભાજપ આદિવાસી વિસ્તારમાં મજબૂત થાય તેવી પણ શક્યતા છે.
ઉલ્લેખનિય છે કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં ‘રાઠવારાજ’ ચાલે છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા આદિવાસી સમાજમાં ખુબ જ લોકપ્રિય છે. ત્રણેય એકબીજાના સંબંધી મનાય છે. અગાઉ મોહનસિંહ રાઠવા પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. હવે નારણ રાઠવા પણ ભાજપમાં જોડાતા આગામી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને અસર થઈ શકે છે.
આ પણ વાંચો : જામનગર લોકસભા સીટ: ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો
કોણ છે જશુભાઈ રાઠવા?
ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએછોટાઉદેપુર તાલુકાના વસેડી ગ્રામ પંચાયત ખાતે એક સરપંચ તરીકે ચૂંટાઈ આવી પોતાના કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે બજાવી અનેક હોદ્દાઓ મેળવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ આદિજાતી વિકાસ નિગમના ડિરેક્ટર, અનુસૂચિત જનજાતિના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલ લોકસભા છોટાઉદેપુર બેઠકના પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે 2017માં જશુભાઈ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમની આ કામગીરીને જોતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ સભ્યના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી હતી.
સુખરામ રાઠવા કોણ છે?
કોંગ્રેસના અગ્રણી નેતા સુખરામ રાઠવાએ SSC એટલે કે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે, સુખરામ રાઠવાની 48 વર્ષની રાજકીય સફરમાં તેઓ 4 વખત ધારાસભ્ય તરીકે જીત્યા છે. તેમણે 3 ડિસેમ્બર 2021થી 2022 ડિસેમ્બર સુધી વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકે કામ કર્યું છે. સુખરામ રાઠવાએ વર્ષ 1975માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને વડોદરા જિલ્લા પંચાયતના વર્ષ 1975થી વર્ષ 1980 સુધી વડોદરા જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના પદનિમિત્ત સભ્ય રહ્યાં હતાં. છોટાઉદેપુર સહિત પાવીજેતપુર વિધાનસભા બેઠક ઉપર 4 ટર્મ ધારાસભ્ય રહી ચુક્યા છે. વર્ષ 2002, વર્ષ 2007અને વર્ષ 2012માં તેઓ સતત ત્રણ વખત વિધાનસભા બેઠક પર હાર્યા હતાં અને વર્ષ 2017માં જેતપુર પાવી વિધાનસભા બેઠક પર કોંગ્રસ પાર્ટીમાંથી જીત્યા હતાં અને ગુજરાત રાજ્ય વિરોધ પક્ષના નેતા બન્યાં હતાં.