લોકસભા ચૂંટણીઃ ‘મહાયુતિ’માં ચોથા પક્ષની એન્ટ્રી, રાજ ઠાકરેએ બિનશરતી ટેકો જાહેર કર્યો
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ત્યારથી જ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) મહાયુતિ (ભાજપ-શિવસેના-એનસીપી)માં સામેલ થશે કે નહીં તેની અટકળો ચાલી રહી હતી. જોકે, ગૂડી પડવા નિમિત્તે શિવાજી પાર્ક ખાતે મનસે પ્રમુખ રાજ ઠાકરે દ્વારા યોજવામાં આવેલી રેલીમાં રાજ ઠાકરેએ મહાયુતિને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો.
રાજ ઠાકરેએ સત્તાવાર રીતે મહાયુતિને પોતાનો બિનશરતી ટેકો આપવાની જાહેરાત કરી હતી. પોતે લોકસભાની ચૂંટણી નહીં લડે અને આ ચૂંટણીમાં મહાયુતિને ફક્ત અને ફક્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કારણે બિનશરતી ટેકો આપશે, તેવી જાહેરાત રાજ ઠાકરેએ કરી હતી.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: નહીં ચલેગા: રાજ ઠાકરેને શિંદે સેના સોંપવા સામે કાર્યકર્તાઓનો વિરોધ
મુંબઈમાં શિવાજી પાર્કની રેલીમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મહાયુતિ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું. રાજ ઠાકરેએ કહ્યું હતું કે પોતે કોઈની નીચે કામ કરશે નહીં. એટલું જ નહીં, દિલ્હીમાં રાજ ઠાકરેએ ભાજપના હાઈ કમાન્ડ સાથે બેઠક કર્યા પછી પણ એકનાથ શિંદેની શિવસેનાના પ્રમુખ બનવાની વાતોએ જોર પકડ્યું હતું. આમ છતાં આ મુદ્દે રાજ ઠાકરેએ કહ્યું હતું કે જો મારે પ્રમુખ જ બનવું હોત તો ક્યારનોય બની ગયો હતો. હું ફ્કત મારી પાર્ટીનો પ્રમુખ રહીશ. જો મારે ચૂંટણી લડવી હશે તો જણાવીશ.
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) મહાયુતિમાં સામેલ થશે કે નહીં તેનો ફક્ત ક્યાસ કાઢવામાં આવી રહ્યો હતો ત્યારથી જ મહાયુતિના નેતાઓ મનસેના ખુલ્લા હાથે સ્વાગત કરવા માટે તૈયાર છે. ભૂતકાળમાં પણ અશોક ચવ્હાણ અને દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત મહાયુતિના અનેક દિગ્ગજ નેતાઓ મનસેના મહાયુતિમાં સામેલ થવા વિશે સકારાત્મક અભિગમ દાખવી ચૂક્યા છે.
આ પણ વાંચો: ફડણવીસ, રાજ ઠાકરે અને શિંદે વચ્ચે અઢી કલાક બેઠકઃ રાજ ઠાકરેની ‘બર્થ’ પાક્કી
આજે મનસેની ગૂડી પડવાની રેલી શિવતીર્થ ખાતે યોજાઇ એ પહેલા પણ મહાયુતિના નેતાઓએ મહાયુતિમાં તેમના સામેલ થવાની વાતને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. રાજ ઠાકરેની રેલી પહેલા જ આપવામાં આવેલા મહાયુતિના બે અગ્રણી નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનને ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે.
રાજ ઠાકરે દિલ્હીમાં જઇને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા અને તે આ ચૂંટણીમાં ચોક્કસ મહાયુતિ સાથે ઊભા રહેશે અને સમર્થન આપશે એમ અશોક ચવ્હાણે જણાવ્યું હતું. દરમિયાન શ્રીકાંત શિંદેએ કહ્યું હતું કે મનસે જો મહાયુતિમાં સામેલ થશે તો અમને આનંદ જ થશે. એકસરખી વિચારધારા ધરાવતા પક્ષો સાથે આવશે તો લોકો સકારાત્મક પદ્ધતિથી મતદાન કરશે.