વરસાદ વિના નહિ થાય નોરતા પૂરા! તહેવાર ટાણે કેવું રહેશે હવામાન?
અમદાવાદ: વરસાદના વિઘ્ન વિના પૂર્ણ થવાના આરે આવીને નવરાત્રીના છેલ્લા બે નોરતાની ઉજવણીના રંગમાં જાણે ભંગ પડ્યો છે. ગઇકાલે અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે આજે છેલ્લે નોરતે પણ ખેલૈયાઓના ઉલ્લાસમાં વરસાદ ભંગ પાડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગઇકાલે આઠમા નોરતે રંગ બરાબર જામ્યો હતો ત્યાં જ અમદાવાદમાં વરસાદ ખાબકતાં ઘણી જગ્યાએ ગરબા બંધ કરવા પડ્યા હતા. જેના કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. રાજ્યમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, મહુવા, કચ્છ- ભૂજ, માંડવી, અબડાસા, વલસાડમાં વરસાદ પડ્યો હતો. અમરેલીના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદને કારણે શેરીઓમાં પાણી વહેતા થયા હતા.
નવરાત્રિ મહોત્સવને હવે માત્ર છેલ્લા 2 દિવસ જ બાકી છે, ત્યારે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદે રમઝટ બોલાવતા ખેલૈયાઓની મજા બગડી છે. આજે પણ ગુજરાતના 45 જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 13 થી 18 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં આ વરસાદની તીવ્રતા જોવા મળી શકશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને રાજકોટમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. આગામી 15 અને 16 ઓક્ટોબર દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી ભાગો જેમ કે વાવ, ડીસા અને થરાદમાં પણ વરસાદ વરસી શકે છે.
દેશમાં હવે ચોમાસાની વિદાય થવાના સમય પર અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દેશના હવામાન વિભાગે દેશના પશ્ચિમ ભાગોમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. પશ્ચિમ ઘટના પ્રદેશોથી લઈને ગુજરાતના અમુક ભાગો સુધી વરસાદ ખાબકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કેરળ અને ગોવા સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.