
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. આ વચ્ચે જો ગઈકાલની વાત કરવામાં આવે તો, પાછલા 24 કલાકમાં 201 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 4 જુલાઈ 2025ના સવારે 6:00થી 5 જુલાઈ 2025ના સવારે 6:00 સુધીના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં સરેરાશ 0.66 ઇંચ વરસાદ નોંધાયો છે.
સરકારી આંકડાની માહિતી પ્રમાણે પાછલા 24 કલાકમાં 201 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના સુરતના પલસાણામાં નોંધવામાં આવ્યો છે. જ્યાં 3.7 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે કાંકરેજમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્ર નગરના લખતરમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના ચિખલી તાલુકામાં 1.5 ઇંચ નોંધાયો, જ્યારે સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં માત્ર 0.2 ઇંચ નોંધાયો. આ ઉપરાંત રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1.02 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 0.29 ઇંચ વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં 0.73 ઇંચ અને ઉત્તર ગુજરાતમાં 0.77 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કચ્છમાં 0.43 ઇંચ વરસાદ થયો.
ચાલુ ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીનો કુલ સરેરાશ વરસાદ 14.54 ઇંચ નોંધાઈ ચૂક્યો છે. જે 1995-2024ની સરેરાશના 40.74% જેટલો છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં 25.02 ઇંચ વરસાદ સાથે 42.56% સામાન્ય વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 12.44 ઇંચ (42.23%) અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 12.60 ઇંચ (38.78%) વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં 10.23 ઇંચ (36.16%) અને કચ્છમાં 7.59 ઇંચ (38.88%) વરસાદ થયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે, લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહેતા સુરત, કચ્છ, દ્વારકા, નવસારી, વલસાડ, ડાંગ, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉપરાંત, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો…ગુજરાતમાં ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિયઃ 173 તાલુકામાં મેઘમહેર…