Lok Sabha Election 2024 : રાયબરેલીથી રાહુલ ગાંધી અને અમેઠીથી કે.એલ.શર્મા મેદાનમાં, કોંગ્રેસની જાહેરાત

દેશમાં લોકસભા ચૂંટણીમાં જે બે બેઠકોના ઉમેદવારના નામ પર કોંગ્રેસના સૌથી વધુ સસ્પેન્સ ઊભું થયું હતું તે હવે સમાપ્ત થયું છે. જેમાં ઉત્તર પ્રદેશમાં ગાંધી પરિવારની બે પરંપરાગત બેઠક પર આખરે કોંગ્રેસે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં રાહુલ ગાંધીને કોંગ્રેસે રાયબરેલી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે અમેઠી બેઠક પરથી કોંગ્રેસે ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્માને ટિકિટ આપી છે.અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની છે.
આ અંગેની જાહેરાત કોંગ્રેસે સોશિયલ મીડિયા પર કરી હતી. 3 મેના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. જ્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં સૂત્રોએ જણાવ્યું હતું કે નોમિનેશન સમયે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે હાજર રહેશે.
અમેઠી અને રાયબરેલીને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કિશોરી લાલ શર્મા કોણ છે, જેમને કોંગ્રેસે અમેઠીથી મેદાનમાં ઉતાર્યા છે.
કોણ છે કિશોરી લાલ શર્મા?
અમેઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માને સોનિયા ગાંધીના નજીકના નેતા તરીકે ઓળખવામાં આવે છે. મૂળ પંજાબના લુધિયાણાના કેએલ શર્મા લાંબા સમયથી રાયબરેલીમાં સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે.લગભગ ચાર દાયકાથી અમેઠી-રાયબરેલીમાં સંગઠનનું કામ કરી રહેલા કેએલ શર્માને આ બે જિલ્લાની દરેક ગલી અને દરેક કોંગ્રેસી જાણે છે. રાજીવ ગાંધીના સમયમાં સરકારના કામના પ્રચાર માટે તેમને યુપી મોકલવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ અહીં જ રહ્યા હતા.
છેલ્લા પચીસ વર્ષથી, ગાંધી પરિવાર અમેઠી અને રાયબરેલીમાં પ્રચારની જવાબદારી સંભાળી રહ્યા છે, ખાસ કરીને સોનિયા ગાંધીના નામાંકન પછી વર્ષ 2004 માં, જ્યારે રાહુલ ગાંધીએ અમેઠીથી પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી ત્યારે કેએલ ત્યાં હાજર હતા અને હવે વીસ વર્ષ પછી તેઓ આ જ અમેઠીમાંથી રાહુલની જગ્યાએ ચૂંટણી લડવાના છે.
રાહુલ ગાંધી 2004થી સતત ત્રણ વખત અમેઠીથી સાંસદ હતા
વાસ્તવમાં, રાહુલ ગાંધી 2004થી સતત ત્રણ વખત અમેઠીથી સાંસદ હતા. પરંતુ તેઓ 2019માં ભાજપ નેતા સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા હતા. રાહુલ ગાંધી હાલમાં કેરળના વાયનાડથી સાંસદ છે અને તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક જીતી હતી. આ વખતે પણ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે.રાયબરેલી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ 2004 થી 2024 સુધી સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ આ પહેલા સોનિયા ગાંધીએ અમેઠી બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેઓ 1999માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા.