ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ દ્રવિડ જ ભારતીય ટીમના કોચ બની શકે છે, BCCIએ કોન્ટ્રાક્ટ વધારવાની ઓફર કરી

નવી દિલ્હી:  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) રાહુલ દ્રવિડને સિનિયર મેન્સ ટીમના કોચ તરીકે જાળવી રાખવા માંગે છે. ODI વર્લ્ડ કપ બાદ દ્રવિડનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો હતો અને બોર્ડે તેમને ત્યાં સુધી કોઈ નવી ઓફર આપી ન હતી. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા VVS લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી પાંચ મેચની T20 શ્રેણીમાં કોચની ભૂમિકા ભજવી રહ્યા છે. હવે બોર્ડે દ્રવિડનો કોન્ટ્રાક્ટ લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

અહેવાલ અનુસાર, BCCIએ ગયા અઠવાડિયે રાહુલ દ્રવિડનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન કાર્યકાળ વધારવાની વાત થઈ હતી. જો કે, દ્રવિડે આ ઓફર સ્વીકારી છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. જાણવા મળ્યું છે કે BCCI દ્રવિડને કોચની ભૂમિકામાં જોવા ઈચ્છે છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે બોર્ડ છેલ્લા બે વર્ષમાં દ્રવિડે જે સ્ટ્રક્ચર બનાવ્યું છે તેને આગળ લઈ જવા માંગે છે.

જો દ્રવિડ ફરીથી હેડ કોચનું પદ સ્વીકારે છે, તો તેની સહાયક કોચની ટીમ અકબંધ રહી શકે છે. વિક્રમ રાઠોડ બેટિંગ કોચ તરીકે, પારસ મ્હામ્બરે બોલિંગ કોચ તરીકે અને ટી દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે તેમની ભૂમિકા ચાલુ રાખશે.

જો દ્રવિડ આ ઓફર સ્વીકારે છે, તો તેમના બીજા કાર્યકાળમનું પ્રથમ કાર્ય ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ હશે. આ સમયગાળા દરમિયાન ત્રણ T20, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ પ્રવાસની શરૂઆત 10મી ડિસેમ્બરે ટી-20 શ્રેણીથી થશે. ત્યાર બાદ જૂનમાં T20 વર્લ્ડ કપ પહેલા ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ આફ્રિકાના આગામી પ્રવાસ માટે દ્રવિડ તેમજ તેના સપોર્ટ સ્ટાફના તમામ સભ્યો માટે વિઝા તૈયાર કરવામાં આવ્યા છે. જો કે, આનાથી સાબિત થતું નથી કે દ્રવિડ ચોક્કસપણે કોચ બનશે. બીસીસીઆઈએ વીવીએસ લક્ષ્મણની કોચિંગ ટીમ માટે વિઝા પણ તૈયાર કર્યા છે. BCCI હજુ પણ દ્રવિડના જવાબની રાહ જોઈ રહ્યું છે.

2021માં T20 વર્લ્ડ કપ બાદ દ્રવિડે રવિ શાસ્ત્રીની જગ્યા લીધી હતી. તેમની નિમણૂક બે વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવી હતી જે તાજેતરના ODI વર્લ્ડ કપ સાથે સમાપ્ત થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button